ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જે ગતિથી ફેલાઈ રહ્યું છે અને હવે ચીનના વુહાન સમી દેશની હાલત થઈ રહી છે. કોરોનાના સંક્રમણના વધતા જતા કેસને જોતા લાગી રહ્યું છે કે, કોરોના વાયરસના સૌથી વધારે કેસના મામલામાં આગામી થોડા જ દિવસોમાં બ્રાઝીલને પાછળ છોડીને ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ સંક્રમિતો ધરાવતો દેશ બની જશે.
ગત સપ્તાહે રવિવારે એક દિવસમાં સૌથી વધુ 80 હજાર નવા કેસ નોંધાયા હતા. પરંતુ હવે છેલ્લા 24 કલાકમાં 83,883 નવા સંક્રમિતો સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ વિશ્વના કોઈપણ દેશમાં એક દિવસમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ છે. આ પહેલા અમેરિકામાં એક દિવસમાં સૌથી વધુ 77 હજાર કેસ નોંધાયા હતા. તો છેલ્લા એક દિવસમાં આ જીવલેણ કોરોનાથી 1043 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજધાની દિલ્હીમાં 55 દિવસ બાદ ફરીથી 2500થી વધુ સામે આવતા ચિંતા વધી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો 38 લાખને ઓળંગી ગયો છે. હાલ દેશમાં કોરોનાનો આંકડો 3853406 પહોંચી ગયો છે. જોકે બીજીબાજુ ભારતમાં ધીમે-ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરીને 77.06 સુધી પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધી 29 લાખ 70 હજાર 492 લોકોએ કોરોનાને માત આપી છે. જ્યારે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 67376 સુધી પહોંચી ગઈ છે.