ગુજરાતની વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે મંગળવારે મતદાન યોજાયુ હતું. ધારી, ગઢડા, મોરબી, અબડાસા, કરજણ, ડાંગ, લીંબડી અને કપરાડા બેઠક માટે વહેલી સવારે 7 વાગ્યે મતદાન શરુ થયુ હતું જે સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યુ હતું. ત્યારે પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે. કોરોના મહામારી વચ્ચે યોજાયેલ આ 8 બેઠકો પર સરેરાશ 57 ટકા જેટલું મતદાન નોંધાયુ છે. જેમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર નોંધાયુ હતું.
ડાંગમાં 70 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે. જ્યારે કરજણમાં આશરે 65 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે. તો કપરાડામાં 67 ટકા, અબડાસામાં 57 ટકાથી વધુ મતદાન નોંધાયુ હતું. જ્યારે મોરબીમાં 51.85 ટકા, ગઢડામાં 47.82 ટકા, લીંબડીમાં 56 ટકા અને ધારીમાં સૌથી ઓછું 42.18 ટકા મતદાન નોંધાયુ હતું. આ સાથે જ રાજ્યની તમામ 8 બેઠકો પર ઉમેદવારના ભાવી EVMમાં કેદ થયા છે. પેટાચૂંટણીના મતદાનમાં છેલ્લા કલાકોમાં પણ મતદારોમાં સામાન્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.
8 બેઠકો પર 3024 જેટલા મતદાન કેન્દ્રો પર આ મતદાન યોજાયું હતું. જેમાં કુલ 81 ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થયા છે. મોરબી બેઠક પર થોડા સમય માટે મતદાન પ્રક્રિયા પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળ્યુ હતું. જોકે મોરબી બેઠકને છોડી તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયુ હતું. જોકે ગત વિધાનસભાની પેટા ચૂંટણી કરતા આ વખતે ઓછું મતદાન થયું છે .આ માટેનું કારણ કોરોના મહામારીને પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે રાજ્યની 8 બેઠકો પર યોજાયેલ પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.