PM મોદીએ Zydus બાયોટેક પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું, કાફલો વચ્ચે રોકી લોકોનું અભિવાદન ઝીલ્યું

admin
2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે અમદાવાદ એરપોર્ટથી સીધા ચાંગોદર સ્થિત ઝાયડસ બાયટેકના પ્લાન્ટ પર પહોંચ્યા છે. ઝાયડસની કોરોના વેક્સીન ઝાયકોવ-ડીનું તેઓ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ આજે વડાપ્રધાન પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ પણ જશે અને હૈદરાબાદ જઈ કોરોના રસીના પરિક્ષણની માહિતી મેળવશે. પીએમ મોદી એક મહિનાના ટૂંકા ગાળામાં જ અમદાવાદ આવી પહોંચ્યા છે. અગાઉ દિવાળી પૂર્વે પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ અને ગુજરાતી અભિનેતા સંગીતકાર બેલડી મહેશ-નરેશ કનોડિયાના અવસાન પર તેમના પરિવારજનોને મળી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાને કેવડિયાથી સી પ્લેનનું ઉદ્ઘાટન કર્યું હતું અને અમદાવાદ રિવર ફ્રન્ટ પર ઉતરાણ કર્યું હતું.

વડાપ્રધાન સવારે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરપોર્ટથી વિશેષ હેલિકોપ્ટર દ્વારા તેઓ ચાંગોદર ઝાયડસ બાયોટેકના પ્લાન્ટ નજીક હેલિપેડ પર પહોંચ્યા હતા અને એપ્રોચ રોડથી ગાડીમાં ઝાયડસના પ્લાન્ટ પર પહોંચ્યા હતા. ઝાયડસના ચેરમેન પંકજ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે પીએમનું સ્વાગત કર્યું હતું.

પીએમ મોદીએ ઝાયડસના વિજ્ઞાનીઓ સાથે વેક્સીન અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદી પીપીઈ કિટ પહેરીને ઝાયડસના વિજ્ઞાનીઓ સાથે પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ઝાયકોવ ડી રસીની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદી ઝાયડસ બાયોટેક પ્લાન્ટનું નિરીક્ષણ કરી પોતાના કાફલા સાથે હેલિપેડ તરફ રવાના થઇ રહ્યાં હતા તે દરમિયાન વચ્ચે કાફલો રોકવામાં આવ્યો હતો. જ્યાં પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

Share This Article