મસાલા કિંગના નામથી પ્રખ્યાત MDH મસાલા કંપનીના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. દિલ્હીની માતા ચંદન દેવી હોસ્પિટલમાં 3જી ડિસેમ્બરે સવારે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મહાશય ધર્મપાલ ગુલાટીનું નિધન હ્રદયરોગના હુમલાથી થયું હોવાનું જણાયું હતું.
મહાશયા દી હટ્ટી (MDH) મસાલા કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીરે મહાશય ધર્મપાલ ગુલાટી જગમશહૂર થયા હતા. ભારતીય પોશાકમાં તેઓ સદાય હસતા ચહેરા સાથે એડવર્ટાઈઝમાં નજરે પડતા અને તેમને જોઈને લોકોના ચહેરા ઉપર પણ એક ખુશીનો ભાવ જોવા મળતો.
તેઓ MDH એડના દાદા તરીકે પણ વધુ પ્રચલીત બન્યા હતા અને તેમને મહાશય જી કહીને લોકો સંબોધતા હતા. તેમના નિધનના અહેવાલ બાદ દેશના રાજકીય નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
રાષ્ટ્પતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું કે, પદ્મભૂષણ સન્માનિત એમડીએચના અધ્યક્ષ ધર્મપાલ ગુલાટીજીના નિધનથી દુખી છું. તે ભારતીય ઉદ્યોગ જગતના એક પ્રસિદ્ધ વ્યક્તિત્વ ધરાવતા હતા. રાષ્ટ્રપતિ કોવિંદ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.