સેગવા ગામના સરદાર આવાસમાં માર્ગ પરનું નાળુ જર્જરિત,

admin
1 Min Read

ભરૂચના સેગવા ગામમાં આવેલા સરદાર આવાસ તરફ જતા માર્ગનું નાળુ જર્જરિત બનતા રહિશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાત કરીએ સેગવા ગામના સરદાર આવાસની તો ત્યાં વસવાટ કરતા રહિશોએ પોતાની વ્યથાનું મીડિયા ટીમ સમક્ષ વર્ણન કર્યુ ત્યારે રહિશોમાં તંત્ર સામે ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. સરદાર આવાસમાં રહેતા જશોદાબેન વસાવાએ તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે ચોમાસામાં કેડ સમાણા પાણીમાંથી જીવના જોખમે અમારે પસાર થવું પડે છે. છેલ્લા વીસ વર્ષોથી આ સમસ્યાનો અમે સામનો કરી રહ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

ચૂંટણી ટાણે બધા રાજકિય પક્ષોના આગેવાનો મત લેવા આવે છે અને ચૂંટણી પછી કોઇપણ અમારી જટીલ સમસ્યા બાબતે દરકાર લેતું નથી એવા ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. જ્યારે સરદાર આવાસમાં રહેતા યાકુબ બાપુ ચિકોલે પણ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે નાળા પર કેડ સમા પાણી ભરાઇ જાય છે ત્યારે બાળકોને શાળાએ તેમજ મદ્રેસામાં જવા માટે ખુબ તકલીફ પડે છે. પંદર પંદર દિવસ સુધી પાણી ભરાઇ રહેતા અમે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ તેમજ ભૂખ્યા તરસ્યા અમારે રહેવાનો વારો આવે છે. ત્યારે ગામના સરદાર આવાસમાં વસવાટ કરતા રહિશોને પડી રહેલી હાડમારીમાંથી કાયમી ધોરણે મુક્તિ મળે એ માટે તંત્ર દ્વાર કોઇ નક્કર આયોજન કરાય એવી રહિશો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે…

Share This Article