પંચમહાલ : પંચમહાલમાં હોલિકા દહન માટે ગૌકાસ્ટનો કરાયો ઉપયોગ

admin
2 Min Read

હોળીનો તહેવાર આવી રહ્યો છે અને હોળીના દિવસે લાખો ટન લાકડા સળગાવીને હોલિકા દહન કરવામાં આવશે.  પર્યાવરણવાદીઓ હોળીના તહેવારમાં મોટી સંખ્યામાં લાકડાના દહન સામે સામુહિક હોળી કરવા માટે વિનંતી કરતા હોય છે.  ત્યારે બીજી તરફ જનજાગૃતિને કારણે હવે લોકોમાં ઇકોફ્રેન્ડલી હોળીનું પણ ચલણ વધ્યું છે.  ત્યારે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ખાતે અનોખી ગૌસેવા યુવાનો દ્વારા ગાયના છાણમાંથી હોળી માટે લાકડા બનાવીને આપવામાં આવે છે.  જેને કારણે ઇકોફ્રેન્ડલી હોળીને પ્રોત્સાહન મળે.  પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બાના બાકરોલ ખાતે યુવાનો ગૌશાળા ચલાવે છે.  ઘરડી અને બીમાર ગાયને કતલખાને આપવા માંગતા પશુપાલકો પાસેથી ગૌધનને ખરીદી લીધા બાદ તે ગાયની આજીવન નિશ્વાર્થ સેવા આ ગામના યુવાનો કરે છે.

 

 

 

પોતાની સંપત્તિ વેચીને પણ આ પ્રકારની ગાયની સેવા કરતા બાકરોલ ગામના યુવાનોએ હવે પર્યાવરણની જાગૃતિ માટે સંદેશો ફેલાવવાનો નવો રસ્તો અપનાવ્યો છે.  ગાયના છાણમાંથી લાકડા બનાવી અને હોળીમાં દહન કરવા માટે આપવામાં આવે છે.  ગાયના છાણમાંથી બનતા લાકડાને ગૌકાસ્ટ કહેવામાં આવે છે.  જેને હોલિકા દહન માટે આપવામાં આવે છે.  જેથી જંગલમાંથી લાકડા કાપીને હોળી પ્રગટાવવાને સ્થાને ઇકોફ્રેન્ડલી હોળી કરી શકાય.  અલબત્ત ગૌકાસ્ટમાંથી કરવામાં આવેલા હોલિકા દહનના ફાયદા પણ છે.  તેને કારણે વાતાવરણ શુદ્ધ થાય છે.  પર્યાવરણને નુકસાન થતું નથી.  તે સાથે બીમારી ફેલાવનારા મચ્છર,  માખી જેવા જીવ જંતુઓ પણ નાશ પામે છે. હાલમાં ગૌશાળા ખાતેથી ગૌકાસ્ટને શહેરો સુધી પહોંચાડવાની કામગીરી યુવાનો કરતા જોવા મળે છે.  જેથી શહેરોમાં ઈકોફ્રેન્ડલી હોળી કરવા માટે ગૌકાસ્ટ સમયસર પહોંચી શકે

Share This Article