ભરૂચ : નગર રચના યોજના-3ના અંતિમ ખંડ 94-95ની જમીનની માલિકીનો વિવાદ

admin
2 Min Read

ભરૂચ જિલ્લા જેલની દક્ષિણમાં આવેલ ભરૂચ નગર યોજના અંતિમ ખંડ નંબર 94-95 સીટી સર્વે નંબર 152-B ની જમીનમાં જિલ્લા જેલ વિભાગે પોતાનું બોર્ડ લગાવી જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કરતા પુનઃ વિવાદ છેડાયો છે.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નુરાની સોસાયટી, સાબેના પાર્ક, બિજલી નગર અને હબીબ પાર્કના રહીશોએ જિલ્લા કલેક્ટરને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ…ભરૂચના નગરયોજના-3 ના અંતિમ ખંડ 94-95ના પ્લોટ પર સૌ પ્રથમ પોલીસ વિભાગે 2013માં “માઉન્ટેડ અશ્વદળ પોલીસ પરેડ” મેદાન જાહેર કરી ત્યાં પોતાનું બોર્ડ લગાવી જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

તે સમયે પાલિકાના આ વિસ્તારના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને રહીશોએ વિરોધ ઉઠાવી મેદાનને પોલીસ વિભાગના કબજામાંથી મુક્ત કરાવ્યું હતું. અને બૌડાએ પોલીસ વિભાગને આ મેદાનનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી હતી. ત્યારબાદ માર્ચ 2020માં જેલ વિભાગે આ વિવાદીત જમીન ઉપર કબજો મેળવવા બોર્ડ લગાવ્યું હતું. જેની સામે આસપાસની સોસાયટીનાં રહીશો અને આ વિસ્તારના કાઉન્સીલરો દ્વારા વિરોધ ઉઠાવી કલેક્ટરને ફરીયાદ નોંધાવતા જેલ પ્રશાસન દ્વારા લગાવેલ આ બોર્ડ હટાવી લેવાયું હતું. ત્યાર બાદ આ ફરિયાદનાં અનુસંધાનમાં બૌડા દ્વારા જીલ્લા પોલીસ અધિક્ષકને લેખિત આદેશ આપી જણાવાયું હતું કે આ મેદાનની માલિકી બૌડાની છે. અને આ પ્લોટ ઉપર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવું નહીં. તેમ છતાં પણ તાજેતરમાં પુનઃ જેલ પ્રશાસને વિવાદીત જમીન પર પોતાનો માલિકી હક્ક દર્શાવતું બોર્ડ લગાવી રસ્તો બંધ કરવાની કવાયત હાથ ધરતાં ફરી એક વખત મેદાનનો વિવાદ સપાટી પર આવ્યો છે. ત્યારે જમીન ઉપર જેલ વિભાગે અનધિકૃત રીતે કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઉઠાવી ન્યાયની માંગ ઉઠાવી છે

Share This Article