કોરોનામાં વાઈરલ લોડ ઓછો કરવા માટે સૌથી વધુ ફેવિપિરાવિર દવા વપરાય છે તે અલગ અલગ નામેથી વેચાય છે પણ કોરોનાના કેસ સૌથી વધુ આવતા દવાની ખૂબ અછત હતી તેમજ તેનો ભાવ પણ ઘણો વધારે છે તેનો લાભ લઈને નકલી દવા બનાવવાનું કૌભાંડ શરૂ થયું હતું અને રાજકોટ શહેરમાંથી 8500 ટેબ્લેટ જેટલા જંગી જથ્થામાં નકલી ફેવિપિરાવિર ટેબ્લેટ મળી આવી છે.
આ દવા 10 ટેબ્લેટના 1290ના ઊંચા ભાવે બજારમાં વેચાઈ રહી હતી. મળતી માહિતી અનુસાર મંગળા રોડ પર ઓન્કોવેક નામની એજન્સીમાં રેડ કરતા 850 સ્ટ્રિપ એટલે કે 8500 ટેબ્લેટનો જથ્થો મળ્યો છે. દવાના પેકિંગ પર ફેવિમેક્સ-400 નામ લખેલું હતું પણ ઉત્પાદક કે લાઇસન્સ નંબર જોતા બધું જ ખોટું જણાયું હતું. ફાર્મા એજન્સીના સંચાલકે આ જથ્થો મુંબઈથી ખરીદ્યો હોવાનું કહ્યું છે અને હાલ તમામ નિવેદન લીધા છે. જથ્થો સીઝ કરી દેવાયો છે અને લેબમાં તપાસાર્થે મોકલી દેવાયો છે એટલે દવામાં ખરેખર શું તત્ત્વ છે તે 20 દિવસ બાદ જ્યારે રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે. તેણે એવું કહ્યું છે કે, 1000 સ્ટ્રિપ ખરીદી હતી જેમાંથી 150 સ્ટ્રિપ વેચી છે.