પંચમહાલ : કોરોના સેવાયજ્ઞ હેઠળ રાજભવન દ્વારા જિલ્લાના કોરોના વોરિયર્સને 10,000 રાશન કીટની સહાય

admin
1 Min Read

કોરોના મહામારી સમયે દિવસ-રાત સેવા બજાવતા કોરોના વોરિયર્સના લાભાર્થે ગોધરાના અભરામ પટેલના મુવાડા ખાતેથી રાશન અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની 10,000 કીટના જથ્થાને જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકી, ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.બી. રાઠોડે પ્રસ્થાન કરાવ્યું હતું.14થી વધુ ટ્રકોમાં આ જથ્થો દરેક તાલુકામથકે પહોંચાડી માનદ વેતન, અંશકાલીન વેતન મેળવતા કે આઉટસોર્સિંગ પર ફરજ બજાવતા કોરોના વોરિયર્સ કર્મચારીઓને વિતરીત કરાશે. 1400 આશાવર્કરો, નગરપાલિકાના 850 સફાઈ કર્મચારીઓ, 2000 જેટલા આરોગ્ય કર્મીઓ, 1800 જેવા હોમગાર્ડ, ટીઆરબી અને જીઆરડી જવાનો સહિત જરૂરતમંદ 10,000 જેટલા કર્મચારીઓને વિતરણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુવા અનસ્ટોપેબલના સહયોગથી ગુજરાત રાજભવન દ્વારા શરૂ કરાયેલા “કોરોના સેવાયજ્ઞ” અંતર્ગત એક લાખ પાયાના કોરોના વોરિયર્સને રાશન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવાનું જન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ત્રીજા ચરણ અંતર્ગત પંચમહાલના કોરોના કર્મીઓ માટે 10,000 કીટનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. રાજ્યપાલશ્રીએ શરૂ કરેલા “કોરોના સેવાયજ્ઞ”ને ઉમદા અભિયાન તરીકે પ્રશંસા કરતા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે દિવસ-રાત દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સને ઈશ્વરે સેવાનો અવસર આપ્યો છે ત્યારે સરકાર અને સમાજ પણ તેમની કાળજી રાખવામાં પાછા નહીં પડે તેવો ભાવ અને દિશા આ અભિયાનની છે.

Share This Article