પંચમહાલ : શહેરાના TDOની તાત્કાલિક દાંતીવાડા ખાતે બદલી કરાઇ

admin
2 Min Read

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે છેલ્લા કેટલાક સમયથી ચાલતા રાજકીય વર્સીસ વહીવટી નાટકના શોનો આચકાજનક અંત આવ્યો છે. જેમાં તાલુકા વીકાસ અધિકારી સામે કથિત ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે તાત્કાલિક તેઓની જાહેર હિતમાં બનાસકાંઠાના દાંતીવાડા ખાતે બદલી કરવામાં આવી છે.આજથી 9 માસ અગાઉ પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવતા અંકિતા ઓઝાની શહેરા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી હતી. બદલીના થોડાજ સમયમાં તેઓની કામ કરવાની પદ્ધતિના કારણે શહેરા ભાજપ પદાધિકારીઓ સાથેનો ગજગ્રાહ સામે આવ્યો હતો. તે સમયે જિલ્લામાં તેઓ સામે રજૂઆત પણ કરવામાં આવી હતી. 4 માસ અગાઉ પણ તેઓ વિરૂદ્ધ આવેદનપત્ર જિલ્લામાં આપવામાં આવ્યું હતું.

જેમાં વિકાસના કામોમાં સમયે લાભાર્થીઓને નાણાં ન મળતા હોવાનું અને વિકાસના કામોમાં રોડા નાખતા હોવાનું જણાવ્યું હતું. જોકે બદલીના અઢી સપ્તાહ પહેલા પણ શહેરા તાલુકાના સરપંચો ઉપરાંત તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયત સભ્યો દ્વારા જિલ્લા નાયબ વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તેમાં ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે જ તેઓની તાત્કાલિક બદલી કરવામાં આવે એવી માગ કરવામાં આવી હતી. ત્યારે જે સંદર્ભની ગંભીર નોંધ ગાંધીનગર ખાતે લેવામાં આવતા તાત્કાલિક અસરથી જાહેર હિતમાં પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અંકિતા ઓઝાની બદલી બનાસકાંઠાના દાંતીવાડા ખાતે કરવામાં આવી હતી. શહેરાની ખાલી પડેલી જગ્યા પર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગ્રંધ્રા તાલુકા વિકાસ અધિકારી ઝરીના મોહયુદ્દીન અન્સારીની નિમણૂંક કરી છે.

Share This Article