પંચમહાલ : ‘ચાલો શ્વાસ વાવીએ’ અંતર્ગત શહેરા તાલુકામાં 1 લાખ વૃક્ષારોપણના સંકલ્પનો શુભારંભ કરવામાં આવ્યો

admin
2 Min Read

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સુથાર ફળિયા ધાંધલપુર પ્રા.શાળા ખાતે ‘ચાલો શ્વાસ વાવીએ’ અંતર્ગત શહેરા તાલુકામાં 1 લાખ વૃક્ષારોપણના સંકલ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ધર્મેન્દ્રકુમાર ભમાતના અધ્યક્ષ, મુખ્ય મહેમાન મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેહુલ ભરવાડ સહિતના મહાનુભાવો તાલુકા કક્ષાના વૃક્ષરોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં કોરોના મહામારીમાં સતલોકવાસી થયેલ માટે બે મિનિટ મૌન પાડી ફુલછડી, શાલ અને તુલસીના કુંડા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરા તાલુકાના શિક્ષણ પરિવાર દ્વારા આજથી શુભારંભ કરી એક લાખ વૃક્ષારોપણ કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. વી.ડી.પરમારે ધાયકા ખાતે આવેલ નર્સરીમાંથી ગળો, લીમડા અને અન્ય વૃક્ષો મફત આપવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ડૉ.ધર્મેન્દ્રકુમાર ભમાતે જણાવ્યું હતું કે, ભૌગોલિક પરિસ્થિતિ મુજબ 33 % વૃક્ષો જોઈએ તેની સામે માત્ર 7.5 % ઘટીને 6 % થઈ ગયા છે.

વર્તમાન સમયે ઓક્સિજનની અછત, ગત વર્ષે શહેરા તાલુકાએ જિલ્લાના 5 લાખની સામે 2 લાખ જેટલા વૃક્ષારોપણ કર્યું હતું. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે, વધુ વરસાદ આપે છે, ફળ – ફૂલો અને આજીવિકા પુરી પાડે છે, આર્યુવેદીક વૃક્ષો વધુ વાવવા, ઉનાળામાં તેનું જતન કરવું વગેરે માર્ગદર્શન આપ્યું હતું. બી.આર.સી.શહેરા ‘ચાલો શ્વાસ વાવીએ’ સંકલ્પને બિરદાવી શાળા પરિવાર, આયોજન કર્તા અને અન્ય સહભાગી શિક્ષણ પરિવાર અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કોવિડ લેવા માટે સૌને આહવાન કર્યું હતું. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ધર્મેન્દ્રકુમાર ભમાત અને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેહુલ ભરવાડ, નિવૃત આર.એફ.ઓ.વી.ડી.પરમારે અને સૌ ઉપસ્થિત તમામે સંગીતના સૂર સાથે વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ સમગ્ર તાલુકામાં આજે 41 હજાર જેટલું વૃક્ષારોપણ શાળા, બાળકોના ઘરે અને અન્ય પડતર જમીનમાં કરવામાં આવ્યું હતું. સમગ્ર સંચાલન ઉત્કૃષ્ઠ ભીખાભાઈ પરમારે કર્યું હતું. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ સૌ શિક્ષણ પરિવારે આપેલા સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન કોવિડ – 19 અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

Share This Article