ગુજરાત : હાઇકોર્ટની એરફોર્સને નોટિસ: કોરોના રસી ન લેનાર કર્મચારીને સસ્પેન્ડ કરવાનો મામલો

admin
2 Min Read

ગુજરાત હાઈકોર્ટે કોરોના વેક્સિન લેવાની ઈચ્છા ન ધરાવતા કર્મચારીની અરજી મામલે એરફોર્સને નોટિસ ફટકારી છે. એરફોર્સએ વેક્સિન ન લેવા મુદ્દે પોતાના આ કર્મચારીને સેવામાંથી દૂર થઈ જવા માટે કારણ બતાવો નોટિસ પાઠવી હતી અને કર્મચારીએ તેને હાઈકોર્ટમાં પડકારી હતી. ન્યાયાધીશ એ.જે. દેસાઇ અને એ.પી. ઠાકરની ડિવિઝન બેંચે મંગળવારે પસાર કરેલા આદેશમાં આઇએએફ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. અને આઇએએફને અરજદાર વિરુદ્ધ કોઈ પગલાં ન લેવા સૂચન કર્યું હતું. વાયુસેનાના કોર્પોરલ અને અરજીકર્તા યોગેંદર કુમારે 10 મે, 2021ના રોજ જાહેર કરાયેલી કારણ બતાવો નોટિસ રદ્દ કરાવવા માટે હાઈકોર્ટના બારણે ટકોરા માર્યા હતા. વાયુસેનાએ કારણ બતાવો નોટિસમાં લખ્યું હતું કે, તેમનો વેક્સિન ન લેવાનો નિર્ણય સંપૂર્ણપણે અનુશાસનહીનતા છે

અને તેઓ સેવામાં જોડાયેલા રહે તેનાથી અન્ય વાયુ યોદ્ધાઓ અને વાયુસેનાના સામાન્ય લોકોના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે. અરજદારે તેના સ્ક્વોડ્રોનના કમાન્ડિંગ ઓફિસરને એક પત્ર લખીને 26 ફેબ્રુઆરી, 2021 ના રોજ શિબિરમાં યોજાનારી રસીકરણ દરમિયાન COVID-19 સામે રસી લેવાની અનિચ્છા દર્શાવી હતી. અરજદારે તેની અરજીમાં કહ્યું હતું કે તે રસીકરણ લેવા માંગતો નથી, તેમ જ તેણે કહ્યું હતું કે તેઓ કોવીડ -19 સામેની પ્રતિરક્ષા વધારવા માટે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. તે જ સમયે, કર્મચારીઓએ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે, “અરજદારને તેની પસંદગીની સારવાર કરાવવાનો અધિકાર છે અને તેને રસી આપવા દબાણ કરી શકાતું નથી. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, આ રસી સ્વૈચ્છિક છે અને દેશના વ્યક્તિઓ માટે ફરજિયાત નથી.

Share This Article