ઇન્ટરનેશનલ : વિશ્વના સુરક્ષિત શહેરોમાં ભારતના મુંબઈ, દિલ્હી ટોપ ૫૦માં

admin
2 Min Read

ડેનમાર્કની રાજધાની કોપનહેગન દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે ટોક્યો, સિંગાપોર અને ઓસાકાને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે. આ યાદીમાં બીજા નંબરે કેનેડાનું ટોરોન્ટો અને ત્રીજા સ્થાને સિંગાપોર છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે (ઈઆઈયુ) સેફ સિટીઝ ઈન્ડેક્સ 2021 હેઠળ દુનિયાનાં 60 સૌથી સુરક્ષિત શહેરની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ટોચનાં 50 શહેરની યાદીમાં દિલ્હી 48 અને મુંબઈ 50મા સ્થાને છે. અગાઉના ઈન્ડેક્સમાં દિલ્હીને 52મું અને મુંબઈને 45મું સ્થાન મળ્યું હતું. આ ઈન્ડેક્સ માટે દુનિયાભરનાં શહેરોનો વ્યાપક અભ્યાસ કરાય છે. આ યાદી તૈયાર કરવા ઈઆઈયુએ 76 માપદંડ રાખ્યા હતા, જેથી વૈશ્વિક શહેરી સુરક્ષાની સ્પષ્ટ તસવીર સામે આવી શકે. માપદંડોમાં ડિજિટલ, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યક્તિગત અને પર્યાવરણને લગતા માપદંડ સામેલ હતા. આ પાંચ માપદંડમાં તમામ શહેરને 100માંથી જુદો જુદો સ્કોર અપાયો હતો. કોરોનાને ધ્યાનમાં રાખીને પહેલીવાર આ વર્ષે પર્યાવરણ સંરક્ષણનો મુદ્દો સામેલ કરવામાં આવ્યો છે.

શહેરોની યાદી તૈયાર કરવા શહેરી સુરક્ષાના અભ્યાસ માટે નક્કી માપદંડોમાં ઈન્ટરનેટ અને ટ્રી-કવર પણ સામેલ હતાં. એ માટે શહેરોની કેટલા ટકા વસતિને ઈન્ટરનેટ તેમજ સાયબર સુરક્ષા માટે સ્માર્ટસિટી પ્લાન અંગેની પણ માહિતી લેવાઈ હતી. ટોપ 10 શહેરમાં એશિયાનાં ફક્ત ત્રણ શહેર છે. 2017 અને 2019માં અવ્વલ રહેલું ટોક્યો આ વખતે પાંચમા સ્થાને આવ્યું છે. તાજા ઈન્ડેક્સમાં કોપનહેગનને 82.4 અંક, દિલ્હીને 56.1 અને મુંબઈને 54.4 અંક મળ્યા. ડિજિટલ સુરક્ષાના મામલામાં સિડની અને આરોગ્યમાં ટોક્યો આગળ રહ્યું. ઈન્ફ્રા સુરક્ષામાં હોંગકોંગનું પ્રદર્શન સારું રહ્યું છે. વ્યક્તિગત સુરક્ષામાં કોપનહેગન શ્રેષ્ઠ છે, જ્યારે પર્યાવરણ સુરક્ષામાં વેલિંગ્ટને બધાને પાછળ છોડ્યા. સેફ સિટીઝ ઈન્ડેક્સ પ્રોજેક્ટનાં ડિરેક્ટર પ્રતિમા સિંહે કહ્યું હતું કે પર્યાવરણને લઈને કોપનહેગન અને ટોરોન્ટોએ જબરદસ્ત કામ કર્યું છે.

Share This Article