ગુજરાત : ગીફ્ટ સિટીને ગ્રીન સિટીઝ પ્લેટિનમ સર્ટિફિકેટ મળ્યું

admin
2 Min Read

ભારતના એકમાત્ર ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી), ગિફ્ટ સિટીને સીઆઇઆઇ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી ગિફ્ટ સિટીના પ્રથમ તબક્કાના વિકાસ માટે ગ્રીનર માસ્ટર પ્લાનિંગ અને ડિઝાઇન તથા અમલીકરણ માટે ગ્રીન સિટીઝ પ્લેટિનમ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે કે જેણે આઇજીબીસી ગ્રીન સિટીઝ પ્લેટિનમ રેટિંગ મેળવ્યાં છે. ભારતીય અને વૈશ્વિક કંપનીઓ ગિફ્ટ સિટીને તેમના પર્યાવરણ અને ટકાઉપણાના લક્ષ્યાંકો સાથે આદર્શ ડેસ્ટિનેશન માને છે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ એ પ્રોજેક્ટમાં અપનાવાયેલી વિવિધ પહેલોને માન્યતા આપે છે, જેમાં શહેરમાં એકીકૃત જમીનનો ઉપયોગ, કોમ્પેક્ટ સિટી ડેવલપમેન્ટ, 35 ટકા જાહેર અને ખુલ્લો વિસ્તાર, વાસ્તવિક આવાસ, બીઆરટીએસ સાથે પરિવહનલક્ષી વિકાસ, મેટ્રો રેલ કનેક્ટિવિટી, સ્ટ્રીટસ્પેસ સાથે 100 ટકા રોડ નેટવર્ક તથા 100 ટકા ગ્રીન મેન્ડેટ સામેલ છે

ગિફ્ટ સિટીએ ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ અને 100 ટકા એલઇડી લાઇટિંગ દ્વારા વ્યૂહાત્મક આયોજનથી ઉચ્ચ ઉર્જા કાર્યક્ષમતા હાંસલ કરી છે. ગીફ્ટ સિટીએ પીવાના પાણીમાં 35 ટકાનો ઘટાડો તેમજ ગંદા પાણીના 100 ટકા ટ્રીટમેન્ટ અને પુન:ઉપયોગ દ્વારા જળ વ્યવસ્થાપન અપનાવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની મહત્વતાને જોતાં ગિફ્ટ સિટીએ ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન અને સેગ્રીગેશન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે એ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીના સ્માર્ટ અર્બન ડેવલપમેન્ટ માટેના વિઝનમાં સાતત્યતા સાથે સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પ્રભાવોને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. આઇજીબીસી ગ્રીન સિટી રેટિંગ સિસ્ટમ હેઠળ પ્લેટિનમ રેટેડ સિટી તરીકે માન્યતા શહેરના અદ્યતન માળખા, ડિઝાઇન પ્રોજેક્ટ અમલીકરણનો પુરાવો છે, જે વૈશ્વિક કંપનીઓને ગિફ્ટ સિટીમાં તેમનો આધાર સ્થાપિત કરવા માટે આકર્ષિત કરે છે, જે ટકાઉપણા પ્રત્યેની તેમની કટીબદ્ધતા સાથે સુસંગત છે.

Share This Article