ગુજરત : રાજ્ય સરકારે કોરોનાનો મૃત્યુ આંક છુપાવ્યો હોવાનો કોંગ્રેસનો દાવો

admin
2 Min Read

કોરોનાની બીજી લહેરે રાજ્યમાંથી વિદાય લીધી છે. પણ કોરોનાના મૃત્યુઆંકને લઇને ગુજરાતમાં રાજનીતિ શરૂ થઇ છે. કોંગ્રેસે એવો દાવો કર્યો છેકે, રાજ્યની 68 નગરપાલિકામાં મૃત્યુના આંકડાઓનુ વિશ્લેષણ કરતાં માલુમ પડયુ છેકે, માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધી 16,892થી વધુ મૃત્યુ થયા છે. ખરેખર તો ગુજરાતમાં કોરોનાથી 2.81 લાખ લોકોના મોત થયા છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છેકે, રાજ્ય સરકાર કોરોનાનો મૃત્યુઆંક 10,075 દર્શાવે છે. હકીકતમાં આ આંકડો ખોટો છે. આરટીઆઇના માધ્યમથી આ માહિતી બહાર આવી છે. કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ખૂબ ઘાતક નિવડી હતી તેવો ઉલ્લેખ કરતાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનામાં 3 લાખથી વધુ લોકો મોતને ભેટયા છે. જ્યારે સરકારી ચોપડે માત્ર 10 હજારના જ મરણ નોંધાયા છે.

ગત મે મહિનાના પહેલા અઠવાડિયાથી કોંગ્રેસ દ્વારા સોશિયલ ઓડિટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કોંગ્રસના ધારાસભ્યો રાજ્યના 18 હજાર ગામોમાં પહોચ્યા હતાં. ‘ગુજરાત બચાવો અભિયાન અંતર્ગત આરટીઆઇ આધારે માહિતી મેળવવામાં આવી છે. જેમાં મૃત્યુનોંધની રજિસ્ટર્ડ કોપીઓ મેળવવામાં આવી હતી. હાવર્ડ યુનિવસટીના રિસર્ચ અહેવાલમાં આ આખીય વાત સ્પષ્ટપણે જણાવાઇ છે. રાજ્યની 54 નગર પાલિકામાં પાંચ ટકા વસ્તીમાં મૃત્યુઆંક ધારણા કરતાં 40 ટકા વધુ રહ્યો હતો. વર્ષ 2019માં દર મહિનામાં મૃત્યુઆંક 2500થી વધ્યો નથી. જયારે 2020માં જૂનમાં મૃત્યુઆંક 4 હજાર રહ્યો છે. રાજ્યના 8 મહાનગરો, 256 તાલુકાઓ અને ગ્રામ પંચાયતોમાં મૃત્યુની નોંધણી થઈ છે ત્યારે રાજ્ય સરકારે કોરોનાનો સાચો મૃત્યુઆંક જનતા સમક્ષ રજૂ કરવા જોઈએ. કોંગ્રેસ કોરોના મૃતકના પરિવારજનોને રૂા.4 લાખ વળતર, રહેમરાહે નોકરી આપવા માંગ કરી છે. કોંગ્રેસે સમગ્ર પ્રકરણમાં કાયદાકીય લડત લડવા પણ તૈયારીઓ શરૂ કરી છે.

Share This Article