નેશનલ : ૩૩૭૭ કરોડનું રાજકીય પક્ષોને ગુપ્ત ફંડ થયાનો દાવો

admin
2 Min Read

એડીઆર નામના એક ગ્રુપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અજાણ્યા સ્ત્રોત પાસેથી રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 3377.41 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જે આ જ સમયગાળા દરમિયાન મળેલા કુલ ફંડના 70.98 ટકા છે. ઇન્કમ ટેક્સ રિટર્ન વખતે આ રકમ કોણે આપી તે રાજકીય પક્ષોએ જાહેર નથી કર્યું. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 2642.63 કરોડ રૂપિયા અજાણ્યા સ્ત્રોત પાસેથી મેળવ્યા હોવાનો દાવો કર્યો હતો. જે રાષ્ટ્રીય પક્ષોએ મેળવેલા કુલ ફંડમાં સૌથી વધુ છે. ભાજપ બાદ અન્ય જે પક્ષોએ સૌથી વધુ ડોનેશન મેળવ્યું છે તેમાં કોંગ્રેસ, એનસીપી, સીપીઆઇ(એમ), ટીએમસી અને બીએસપીનો સમાવેશ થાય છે. ભાજપે જે ફંડ મેળવ્યું હતું તે બધી રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓને મળેલા ફંડનું 78.24 ટકા છે.

જ્યારે કોંગ્રેસને 526 કરોડ મળ્યા હતા જે 15.57 ટકા છે. બધા જ પક્ષોએ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન કુલ 3370 કરોડ રૂપિયા અજાણ્યા સ્ત્રોત પાસેથી મેળવ્યા હતા. એટલે કે આ દાન આ પક્ષોને કોની પાસેથી મળ્યું તેની કોઇ જ વિગત જાહેર કરવામાં નથી આવી. નાણાકીય વર્ષ 2004-05થી 2019-20 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને કુલ 14651.53 કરોડ રૂપિયા અજાણા સ્ત્રોત પાસેથી મળ્યા છે. તેવો એક રીપોર્ટ સામે આવ્યો છે. અજાણ્યા સ્ત્રોતથી થયેલી આવકને ઇન્કમ ટેક્સ રિટર્નમાં તો દર્શાવવામાં આવી હોય છે પણ કોની પાસેથી મળી તેની વિગતો આપવામાં નથી આવતી. આ ડોનેશન એવુ હોય છે કે જેની કિમત 20000થી નીચેની હોય છે. જેમાં ઇલેક્ટોરલ બોંડ, કુપન્સના વેચાણથી, રીલિફ ફંડ, સ્વેચ્છાએ થતું દાન, મોરચા કે બેઠકો માટેનું દાન વગેરેનો સમાવેશ થાય છે.

Share This Article