આંતરિક સુરક્ષા માટે ચીન-પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલાં રાજ્યોની પોલીસને ચાઇનીઝ અને ઉર્દૂ ભાષાની તાલીમ અપાશે

Subham Bhatt
2 Min Read

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલે શુક્રવારે ગાંધીનગર પાસેની રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે દેશની આંતરિક સુરક્ષા મામલે બંધ બારણે એક બેઠક કરી હતી. જેમાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં અપાતી ટ્રેનિંગ સહિતના મોડ્યુલો અંગે ચર્ચા કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર આ બેઠકમાં લશ્કરના જવાનો ઉપરાંત પાકિસ્તાન અને ચીનની સીમા સાથે જોડાયેલાં રાજ્યોના પોલીસ જવાનોને પણ ઉર્દૂ અને ચીનની મેન્ડેરીન ભાષાનું શિક્ષણ અપાશે, જે તેમને ઇન્ટેલિજન્સ માટે કામ લાગશે.આર્મી આ માટે પોતાના જવાનોને પ્રશિક્ષણ આપે છે, પરંતુ પોલીસ અને અન્ય અર્ધ લશ્કરી દળોના જવાનોને આ અંગેની કોઇ તાલીમ અપાતી નથી. દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસ અને અર્ધ લશ્કરી દળના જવાનો તૈનાત હોય છે તેથી તેઓ દેશની અંદર કામ કરતાં સ્લીપર સેલ જેવાં તત્વોના સંદેશા પણ આંતરી શકે તે હેતુથી આ ટ્રેનિંગ મોડ્યુલ તૈયાર કરાયું છે.

Chinese and Urdu language training for Sino-Pakistani border police for internal security

રક્ષા શક્તિ યુનિવર્સિટીએ મહિન્દ્રા સાથે મળીને એક સિમ્યુલેશન મોડ્યુલ તૈયાર કર્યું છે. આ સિમ્યુલેશન મોડ્યુલમાં જવાનોને વોર ફિલ્ડમાં કેવી રીતે લડવું તે મુજબની તાલીમ આપવામાં આવશે. આ સિમ્યુલેશન એક વીડિયો ગેમ જેવું હશે, જેમાં જવાન ખરેખર યુદ્ધભૂમિમાં હોય ત્યારે દુશ્મન તરફથી કરાતાં હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે પ્રકારની તાલીમ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વોર ફિલ્ડ માટેની આ એક વર્ચ્યુઅલ તાલીમ છે. ખરેખર જવાનોને સાચી બંદૂક અને ગોળીઓ સાથે તાલીમ આપવામાં આવે ત્યારે તેનો ખર્ચ ખૂબ વધી જાય છે, તેને બદલે આ ખૂબ ઓછાં ખર્ચે તેવી જ તાલીમ આ સિમ્યુલેશન થકી જવાનોને મળશે.સૂત્રોના જણાવ્યા અનુસાર હવે નેશનલ ડિફેન્સ એકેડેમીની સાથે સંકલન કરાયું છે અને ત્યાં અપાતી તાલીમને રક્ષા યુનિવર્સિટીમાં અપાતી તાલીમ સાથે જોડીને બન્ને જગ્યાએ પ્રશિક્ષણ લેતાં અરસપરસ સહયોગ કરી શકશે.

Share This Article