માતાના પડખામાં સુતેલી બાળકીને દીપડાએ ફાડી ખાધી

Subham Bhatt
2 Min Read

અમરેલી જીલ્લાના ધારી તાલુકાના જીરા ગામે વાડી વિસ્તારમાં ભાગીયું રાખીને રહેતા ખેત મજૂર પરિવાર વાડીના મકાનમાં હતો ત્યારે બાજુના ખુલ્લા ફરજામાં માતાના પડખામાં સુતેલી એક વર્ષની બાળકીને ઉઠાવી જઈ દીપડાએ ફાડી ખાતા ખેતમજૂર પરિવાર પર વજ્રધાત પડયો છે. જ્યારે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

ખેત મજૂર સચિનભાઈ વસુનીયા પુત્રી ગંગા ગતરાત્રીના પોતાની માતાના પડખામા સુતી હતી. રાત્રીનાં 12 વાગ્યા સુધી બાળકી સલામત હતી. ત્યારબાદ રાત્રીનાં 3 વાગ્યા આસપાસ બાળકી ન જોવા મળતા માતા, પિતાએ હાંફળા ફાંફળા બની શોધખોળ હાથ ધરી હતી અને વન વિભાગના સ્ટાફને જાણ કરતાં વન વિભાગનો સ્ટાફ તુરંત અસરથી ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફુટમાર્કને આધારે વાડીમાં ફરજા નજીક દિપડો હોવાનું ફલિત થયું હતું તેમજ આજુબાજુમાં તપાસ કરતાં વાડીથી થોડે દૂર બાળકીના કપડા મળી આવ્યા હતાં. તેમજ વધુ તપાસ કરતાં બાળકીનું માથું મળી આવતાં ભારે અરેરાટી મચી જવા પામી હતી. તેમજ આ બાળકીના બચેલા અવશેષો ને પી.એમ. માટે ધારી ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ વિસ્તારમાં દીપડાને ત્કાલ પકડવા વન વિભાગે ત્રણ પાંજરા ગોઠવ્યા હતાં. બાળકીને દીપડાએ ફાડી ખાતા પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃત બાળકીના ખોપરી સહિતના અવશેષો એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા હતાં. ત્યારે હાલ ચોમાસાની સીઝન ચાલુ હોય છાશવારે આવા બનાવ બનવા પામેલ હોય રેવન્યુ વિસ્તારમાં આશ્રય પામતા સિંહો-દીપડાઓનો આતંક આગળ ન વધે તે માટે વનવિભાગ કાર્યવાહી કરે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

Share This Article