બાબરકોટ ગામમાં આતંક મચાવનાર સિંહણ આખરે હંમેશા માટે શાંત થઈ ગઈ

Subham Bhatt
2 Min Read

બાબરકોટ ગામમાં આતંક મચાવનાર સિંહણનું એનીમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેના વન વિભાગ દ્વારા સેમ્પલ લઈને લેબમાં મોકલાવ્યા છે. જયારે બાબરકોટ વિસ્તારમાં અન્ય સિંહોની હેલ્થ ચકાસણી કરવા માટે સ્કેનિંગ શરૂ કર્યું છે. આ હુમલાખોર સિંહણે એક જ દિવસમાં 6 લોકોને ઇજાગ્રસ્ત કર્યાં હતા.

અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક બે દિવસ પહેલા સિંહણે હિંચક બની હાહાકાર મચાવ્યો હતો. એક જ દિવસમાં એક સાથે ૬ લોકો ઉપર હુમલા કર્યા હતા જેના પગલે સમગ્ર પંથકમાં અફરાતફરી મચી હતી. ૨૩ કલાક સુધી વન વિભાગના અધિકારીઓના કાફલા સાથે ઓપરેશન હાથ ધરાયુ હતું. તે ઓપરેશન દરમ્યાન પણ સિંહણ દોડધામ કરતી હતી અને એ વચ્ચે સિંહણ દ્વારા લોકો ઉપર સતત હુમલા કરતા હતા. આ વચ્ચે મધરાતે સિંહણને પાંજરે પુરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ. ત્યારબાદ વનવિભાગ દ્વારા સિંહણના સેમ્પલ લેવાયા હતા અને સિંહણને કોઈ હડકવા છે કે કેમ.? તે માટે સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે, તેવા સમયે આજે સિંહણનું મોત નીપજ્યું છે.

જણાવી દઈએ કે વર્ષ 2014માં રાજુલા તાલુકાના કથીવદર ગામમાં સિંહણ વહેલી સવારથી બપોર સુધી આતંક મચાવ્યો હતો અને 5 થી વધુ લોકોને ઘાયલ કર્યાં હતા. આમ રસ્તા વચ્ચે અનેક લોકો ઉપર હુમલા કર્યા હતા અને સાંજ સુધી આ ઘટના ક્રમ ચાલ્યો હતો કુલ 8 થી વધુ લોકો ઉપર હુમલા કર્યા હતા અંતે સિંહણ મજાદર ગામમાં પહોંચી હતી, જ્યાં વન વિભાગે મોટા કાફલા સાથે તેમનો ઘેરાવ કર્યો હતો ત્યાં સિંહણને બેભાન કરીને તેને પાંજરે પૂરવામાં આવી હતી. એ સમયે વનવિભાગએ સિંહણને હડકવા જાહેર કર્યો હતો અને 2 દિવસ બાદ તેનું પણ મોત થયું હતું. ત્યારે ફરી વખત જાફરાબાદના બાબરકોટ ગામમાં આ પ્રકારની ઘટના બની હતી.

Share This Article