Dil se Desi: થાઈલેન્ડને પણ ભૂલી જશો એવું છે આ ગુજરાતનું પ્રવાસ સ્થળ શિવરાજપુર બીચ

admin
2 Min Read

ગુજરાતમાં અનેક જોવાલાયક પર્યટન સ્થળો આવેલા છે. જેમાં મંદિરોથી માંડીને બીચનો પણ સમાવેશ થાય છે. ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો ગુજરાતને મળેલો છે. ગુજરાતના દરિયાકાંઠે એવા ઘણા બીચ આવેલા છે કે જેમી સુંદરતા ગોવાના બીચને પણ ટક્કર મારે તેવી છે. જોકે, ગુજરાતના આવા ઘણા બીચ અજાણ્યા હોવાથી લોકો ત્યાં જતાં જ નથી. આવો જ એક બીચ છે દ્વારકાથી નજીકમાં આવેલો શિવરાજપુર બીચ. દ્વારકાથી માત્ર 12 કિલોમીટર આવેલા આ બીચની સુંદરતા એટલી અદ્દભૂત છે કે તમને જાણે આ બીચ ગુજરાતમાં નહીં, થાઈલેન્ડમાં આવેલો હોય તેવું લાગશે. અહીંના દરિયાનું પાણી પણ કાચ જેવું ચોખ્ખું છે. વળી, દૂર-દૂર સુધી માનવ વસ્તી ના હોવાના કારણે આ બીચ પર ખાસ ભીડ પણ જોવા નથી મળતી.

શિવરાજપુર બીચની બ્યૂટી એટલી જોરદાર છે કે તમે એક વાર અહીં આવશો તો આખી જિંદગી આ બીચને ભૂલી નહીં શકો. છેલ્લા દસેક વર્ષથી આ બીચ ટુરિસ્ટોમાં ખાસ્સો પોપ્યુલર બની રહ્યો છે. હવે તો વોટર સ્પોર્ટ્સના શોખીનો પણ આ બીચ પર ખાસ આવે છે. દ્વારકા-ઓખા હાઈવેની નજીક આવેલા શિવરાજપુર બીચમાં સ્કૂબા ડાઈવિંગ પણ શરુ થયું છે. કેટલાક ટુર ઓપરેટર્સ તેના માટે ખાસ પેકેજ પણ ઓફર કરતા હોય છે. જો તમે એડવેન્ચરના શોખીન હો તો સમજી લો કે શિવરાજપુર બીચ તમારા માટે જ છે. અહીં તમે ભીડભાડથી દૂર શાંતિમાં સમય પસાર કરી શકો છો.

શિવરાજપુર બીચ સુધી પહોંચવું ખાસ અઘરું નથી. જો તમે દ્વારકા જવાના હો તો ત્યાંથી પણ અહીં પહોંચી શકો છો. વળી, ટેમ્પલ ટાઉન દ્વારકામાં તો અનેક હોટેલો પણ આવેલી છે, જ્યાંથી શિવરાજપુર માંડ 12 કિલોમીટર થાય છે, જેથી રહેવાનો પણ ખાસ પ્રશ્ન નથી. આ બીચ પર એક દિવાદાંડી પણ આવેલી છે. તમે અહીં જાઓ તો દિવાદાંડી જોવાનું પણ ભૂલશો નહી. ગરમીની સીઝનમાં અહીં તમને તડકો વધારે લાગશે, પરંતુ તે સિવાય બીજી કોઈ સિઝનમાં જશો તો બીચની સુંવાળી રેતી પર મસ્તી કરવાની પણ મજા પડી જશે.

Share This Article