ભાવનગર : બોરતળાવ ઓવરફ્લો

admin
2 Min Read

ભાવનગર શહેરનું બોરતળાવ ઓવરફ્લો થયું છે ત્યારે તેની વોટરબોડી નક્કી કરવા માટે મહાનગર પાલિકાના શાસક – તંત્ર દ્વારા બોરતળાવની ૧૨ કિ.મી. વોટરબોડીની ડ્રોનથી વીડિયોગ્રાફી – ફોટોગ્રાફી કરાઈ છે. જેના આધારે કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો હશે તે તમામ બાબતો તેમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે. અત્યાર સુધી બોરતળાવમાં પાણી નહીં આવવા દેવાતું હોવાના આક્ષેપ સાથે રાજકારણ ગરમાયેલું રહેતું હતુ, હવે પાણી ભરાયું છે. ત્યારે દરવાજા લીકેજ મામલે ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ આ તમામ બાબતો વચ્ચે ત્રીજી વાત એવી પણ બહાર આવી છે કે, ભૂતકાળમાં બોરતળાવની વોટરબોડી નક્કી કરીને ખૂંટા મારવામાં આવ્યા હતા, જે ખૂંટા અસામાજીક તત્વોએ સ્થળાંતર કરી નાખ્યા છે, આ મામલે સપ્ટેમ્બર મહિનાના અંતમા મળેલી સાધારણ સભામાં દેકારો થયો હતો, જે સમયે બોરતળાવની વોટરબોડીની ફરી વખત ડ્રોનથી વીડિયોગ્રાફી – ફોટોગ્રાફી કરવાનો નિર્ણય કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાપાલિકાની તાજેતરની સાધારણ સભામાં બોરતળાવના દબાણોનો પ્રશ્ન ઉઠયો હતો અને મહાપાલિકાએ દબાણો હોવાનો ફરી એકવાર એકરાર કર્યો હતો. પરંતુ આ દબાણો ક્યારે દૂર ક્યારે થશે ? એ સવાલ ભાવનગરવાસીઓને અકળાવી રહ્યો છે. બોરતળાવ વિસ્તારમાં સમગ્ર તળાવના ઘેરાવાની વીડિયોગ્રાફી – ફોટોગ્રાફી કરાઈ હતી, જેમાં ૧૨ કિલો મિટરથી વધુ વિસ્તાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વીડિયોગ્રાફી – ફોટોગ્રાફી થતા જ હવે વોટરબોડી નક્કી થશે, જેના આધારે ખૂંટા ખોડવાની કાર્યવાહી હાથ ધરાશે. જોકે , દબાણો દૂર કરવા મામલે હજુ શાસક કે તંત્રએ મગનું નામ મરી નથી પાડયું.

 

 

Share This Article