ચીઝ દાબેલી

admin
4 Min Read

નાના ભૂલકાઓને ચીઝ વાળી રેસીપી ખાવાની તો મજા પડતી હોય છે તો પછી રેસીપી જો ઘરે જ ઇન્સ્ટન્ટ તેયાર થતી હોય તો મજા જ મજા

મિત્રો તો આજે આપણે જોઇશું ઇન્સ્ટન્ટ ચીઝ દાબેલીની રેસીપી

તો ચાલો જોઇએ દાબેલીનો મસાલો બનાવાની રીત

સામગ્રી –

દાબેલીનો મસાલો બનાવવા માટે

૧/૪ કપ  સૂકા ધાણા,

૧ ચમચી  જીરું

૧ ચમચી  વરીયાળી,

૧ નંગ ઈલાયચી,

૧  ચમચી  કાળા મરી,

૧ ચમચી  લવિંગ,

૨ ચમચી  આમલી,

૧ નંગ  તજ,

૪ ચમચા  સૂકા કોપરાનું છીણ,

૪ ચમચા  લાલ મરચું,

૧ ચમચી  સૂંઠ પાવડર,

૧ ચમચી  મીઠું,

૨ ચમચી  દળેલી ખાંડ,

ચપટી  લીંબુના ફૂલ,

૨ ચમચી  ખાંડ

૩ ચમચા  તેલ,

૨ ચમચી  સૂકા કોપરાનું છીણ

 

સ્ટફિંગ બનાવવા માટે

૩ નંગ  બટાકા (અને જૈન દાબેલી બનાવવા – કાચા કેળાં),

૧/૨ કપ  પાણી,

૧/૪ કપ  તેલ,

૧ ચમચી  લાલ મરચું,

૫ ચમચી  દાબેલીનો મસાલો,

૨ ચમચી  આમલીની ચટણી,

સ્વાદાનુસાર  મીઠું,

જરૂર મુજબ  દાડમનાં દાણા,

મસાલા સીંગ,

કોથમીર,

સેવ,

ગ્રીન ચટણી,

મીઠી ચટણી,

જામ,

બટર,

ચીઝ,

દાબેલીનાં પાઉં.

રીત –

સૌ પ્રથમ આપણે દાબેલીનો મસાલો બનાવીશું જેને એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. તો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ એક ફ્રાય પેનમાં સૂકા ધાણા, જીરું, વરિયાળી, મોટી ઈલાયચી, લવિંગ તથા આમલીને ૨ મિનિટ માટે ધીમી આંચે શેકી લો. ત્યારબાદ તેમાં તજનાં ટુકડા કરીને અડધી મિનિટ માટે શેકી ગેસ બંધ કરો. ત્યારબાદ ૪ ચમચા કોપરાનું છીણ ઉમેરી ગેસ ઓન કરીને ૧ મિનિટ માટે ધીમી આંચે શેકો. ગેસ બંધ કરી મિશ્રણ સહેજ ઠંડુ પડે પછી તેને ધીમે ધીમે ગ્રાઈન્ડ કરો. ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું, સૂંઠ પાવડર, મીઠું, દળેલી ખાંડ ઉમેરી ધીમે-ધીમે ગ્રાઈન્ડ કરો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં લીંબુના ફૂલ, ખાંડ, તેલ તથા સૂકા કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરો. જો લાંબા સમય સુધી મસાલો સ્ટોર કરવો હોય તો કપાસિયા તેલ/સનફલાવર તેલ ઉમેરવું. સીંગતેલ ઉમેરવાથી જલ્દી ખોરો થઈ જશે. આ રીતે દાબેલીનો મસાલો તૈયાર થશે.

સ્ટફિંગ બનાવવા માટે –

સૌ પ્રથમ બટાકા અથવા કાચા કેળાને કૂકરમાં જરૂર મુજબ પાણી તથા મીઠું ઉમેરી બાફી લો. છાલ ઉતારી માવો તૈયાર કરો. એક બાઉલમાં અડધો કપ પાણી લઈ તેમાં ૫ ચમચી દાબેલીનો મસાલો ઉમેરી તેને પાણીમાં ઓગળો. એક ફ્રાય પેનમાં તેલ ગરમ કરી તેમાં દાબેલી મસાલો અને પાણીનો તૈયાર કરેલો ઘોળ ઉમેરો. ઉકળે પછી તેમાં લાલ મરચું, મીઠું તથા આમલીની ઘટ્ટ ચટણી ઉમેરી મિક્સ કરી થોડીવાર માટે પકાવો પછી ગેસ બંધ કરી, તૈયાર મિશ્રણને થાળીમાં પાથરી દો. તેની પર મસાલા સીંગ, દાડમ તથા કોથમીર ભભરાવો. દાબેલીનાં પાઉંને વચ્ચેથી કાપીને તેમાં બંને બાજુ થોડી થોડી ગ્રીન ચટણી, મીઠી ચટણી લગાવી તેમાં એક ચમચી જેટલું સ્ટફિંગ ભરો પછી તેમાં થોડું જામ લગાવી ફરીથી સ્ટફિંગ ભરી મસાલા સીંગ તથા થોડા દાડમનાં દાણા ભરીને તવા પર બટર મૂકીને બંને બાજુ શેકી લો. તૈયાર દાબેલી પર સેવનું અને કોથમીરનું ગાર્નિશિંગ કરો અને તમેં ઈચ્છો તો દાડમ તેમજ સિંગનું પણ ગાર્નિશિંગ કરી શકો છો , અને ઉપરથી ચીઝ છીણી સર્વ કરો.

તો તૈયાર છે આપની ચીઝ દાબેલી

 

Share This Article