આજકાલ વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લીધે લોકોને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, વાયુ પ્રદૂષણની સમસ્યાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે. વધતી જતી ઠંડી અને ધુમાડાને લીધે વાયુ પ્રદૂષણની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વાયુ પ્રદૂષણથી પર્યાવરણ સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. તેનાથી હૃદય રોગ થવાનું જોખમ વધી જાય છે. એપિડેમિઓલોજી નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં અને દક્ષિણ ભારતમાં થયેલાં રિસર્ચમાં આ વાત સામે આવી છે.

રિસર્ચમાં સામેલ કેથરિન જણાવે છે કે લૉ-અને મિડલ ઇન્કમ ધરાવતા દેશોમાં અન્ય દેશોની સરખામણીએ હવાનું પ્રદૂષણ વધારે જોવા મળે છે. બાર્સિલોના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ દ્વારા ભારતમાં આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં હૈદરાબાદ અને તેલંગાણાના 3,372 લોકોને સામેલ કરવામા આવ્યા . રિસર્ચમાં જોવા મળ્યું કે 40 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોમાં CMITનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. તેને લીધે આ તમામ લોકોને કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ હતું. આ રિસર્ચ પરથી જોવા મળ્યું કે, વાયુ પ્રદૂષણ દેશમાં મોટી ગંભીર સમસ્યા બની ચૂકી છે અને હવે તેને નાબૂદ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે.
