સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મહત્વનો નિર્ણય

admin
2 Min Read

ગુજરાતમાં કેવડીયા કિનારે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ (CISF)ને સોંપી દેવામાં આવી છે. એટલે કે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અભેદ્ય સુરક્ષા CISFના જવાનો કરશે.

(File Pic)

મળતી માહિતી મુજબ, રાજયની શાન ગણી શકાય તેવી સરદાર પટેલની વિરાટ પ્રતિમાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દેશ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે દેશના ગૃહ મંત્રાલય દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારવા માટે CISF સુરક્ષાને મંજૂરી આપી દેવામાં આવી છે.

(File Pic)

આગામી 1 સપ્ટેમ્બરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરની સુરક્ષા વ્યવસ્થા CISFને સોંપવામાં આવશે. જ્યારે 17 ઓગસ્ટના રોજ સીઆઈએસએફની ટુકડી કેવડિયા ખાતે આવી પહોંચશે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરની સુરક્ષા SRP અને પોલીસ જવાનો દ્વારા કરવામાં આવતી હતી.

(File Pic)

મહત્વનું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન થયું ત્યારથી જ તે એક પ્રવાસનનું કેન્દ્ર પણ બન્યું છે. દેશ-વિદેશથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાત લેવા પહોંચે છે. જેમાં રાજકીય નેતાઓ તેમજ જાણીતી હસ્તીઓ પણ આવતી હોય છે. ત્યારે તેની સુરક્ષા પણ મહત્વની બની જાય છે જેથી હવે પરિસરની સુરક્ષા સીઆઈએસએફને સોંપવામાં આવી છે.

Share This Article