રાજ્યમાં પાન-મસાલા, ગુટકા-તમાકુને લઈ મહત્વનો નિર્ણય

admin
2 Min Read

રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ, હવે ગુટકા, તમાકુ કે નીકોટીનયુક્ત પાન મસાલાનું વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો જે પ્રતિબંધ છે તેને વધુ એક વર્ષ માટે લંબાવાયો છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેમજ આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે.

ગુટકામાં તમાકું કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોવાથી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે ૧૦ હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂ. ૧૧ લાખ જેટલો દંડ વસુલ્યો છે.

Share This Article