યાત્રાધામ શંખલપુરમાં ભક્તે ભેટ આપ્યો સોનાનો હાર

admin
1 Min Read

યાત્રાધામ શંખલપુર સ્થિત 5200 વર્ષ પ્રાચીન બહુચર માતાજીના આધ્યસ્થાનકે મંગળવારે દેવદિવાળીના પવિત્ર દિવસે ચરોતર પંથકના માઇભક્તે મનોકામના પૂર્ણ થતાં રૂપિયા 21 લાખની કિંમતનો 45 તોલા સોનાનો હાર બહુચર માતાજીના ચરણે અર્પણ કર્યો હતો. શંખલપુર ટોડા બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને મંત્રી અમૃતભાઈ પટેલના જણાવ્યા મુજબ, ચરોતર ખેડા જિલ્લાના માઇભક્તે એનઆરઆઈ પુત્રના ધંધાકીય વિકાસ માટે રાખેલી મનોકામના પૂર્ણ થતાં તેમણે હરખરૂપે આજે દેવદિવાળીના દિવસે અંદાજે રૂ. 21 લાખની કિંમતનો સોનાનો હાર બહુચર માતાજીને અર્પણ કર્યો હતો. આ સમયે ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચારણ અને શ્રદ્ધાળુઓના બહુચર મૈયાના જયજયકારથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઊઠયું હતું. દાતા પરિવારનું મંદિર દ્વારા બહુમાન કરાયું હતું. કાર્તિકી પૂનમ નિમિત્તે મંદિરમાં સવારથી સાંજ સુધી શ્રદ્ધાળુઓની દર્શન માટે ભારે ભીડ જામી હતી. 25થી વધુ સંઘોએ મંદિરે ધજા અર્પણ કરી તેમજ 10 હજારથી વધુ ભકતોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. દિવસ દરમિયાન એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયાનો અંદાજ છે.

Share This Article