સાંપ્રત અત્યાધુનિક યુગમાં જ્યારે યુવાપેઢી મોબાઇલમાં વ્યસ્ત રહી પોતાના જીવનના અમુલ્ય સમયને વેડફી રહી છે. ત્યારે ભરૂચના ટંકારીયા ગામના એક યુવાન આસિફ મઢી પોતે વિકલાંગ હોવા છતાં સખ્ત પરિશ્રમ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી આજની પુવાપેઢીને એક પ્રેરણારૂપ સંદેશ આપી રહ્યા છે. વાત કરીએ ટંકારીયા ગામના આસિફ મઢીની તો તેઓ જ્યારે સાત વર્ષના હતા ત્યારે અચાનક પોલીયોની અસર થતા તેઓ બંને પગે અપંગ બની ગયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે મેં આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી અભ્યાસ છોડી સિવણકામ શીખ્યું હતું.
આસિફભાઇની પત્ની પણ વિકલાંગ છે અને તેઓને સંતાનમાં બે પુત્રો છે. સિવણકામ છોડ્યા પછી આસિફભાઇએ ફર્નિચરનું કામ શિખી લઇ પોતાની દુકાન ચાલુ કરી કરી અને તેઓ આજે ટંકારીયા સહિત આસપાસના ગામોમાં ફર્નિચર બનાવવાનું કામ કરે છે. છેલ્લા ૧૮ વર્ષથી તેઓ ફર્નિચર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજની યુવાપેઢી જ્યારે મોબાઇલમાં વ્યસ્ત રહી પોતાના અમુલ્ય સમયને વેડફી રહી છે ત્યારે ટંકારીયા ગામના એક વિકલાંગ આસિફભાઇએ યુવાપેઢી માટે એક પ્રેરણારૂપ પુરવાર થઇ યુવાપેઢીને એક અનુપમ સંદેશ આપ્યો છે.
