ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરતી ગેંગ ઝડપી પાડી

admin
1 Min Read

રાજકોટમાં એક રાતમાં જ એક સાથે દશ કાર નિશાન બનતા દેકારો મચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં મહારાષ્ટ્ર પાસિંગની કાર હોવાનું ખુલ્યું હતું. કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ મુંબઇમાં હોવાની ચોક્કસ હકીકત મળતાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા અને હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે મુંબઇના તલોજા, મુંબ્રા અને વસઇ ખાતેથી અહેમદ ઉર્ફે લદન જમીલખાન (ઉ.વ.49), મીનાઝ અહેમદ હુનેરકર (ઉ.વ.43) અને જમીલ મહમદ કુરેશી (ઉ.વ.55)ને ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓ પાસેથી વેગનઆર અને હોન્ડાસિટી કાર તેમજ ડિસમિસ સહિત કુલ રૂ.2,00,500નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયને રાજકોટ લઇ આવવામાં આવ્યા હતા. કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ જાન્યુઆરી મહિનાથી નવેમ્બર સુધીમાં સાતેક વખત રાજકોટમાં ખાબકી હતી, સપ્ટેમ્બર મહિનામાં હોન્ડાઇ કારમાં આવી સાતેક કારમાંથી ચોરી કરી હતી, ફરીથી 12 દિવસ પૂર્વે તરખાટ મચાવતા પોલીસ હરકતમાં આવી હતી, પોલીસે રાજકોટ, અમદાવાદ અને વડોદરાના કરજણ ટોલનાકા સુધીના ફૂટેજ ચેક કરી તસ્કર ગેંગની ઓળખ સ્પષ્ટ કરી હતી. પોલીસે આ માટે 50થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા.

 

Share This Article