ડેન્ગ્યુએ વડોદરામાં 24 કલાકમાં લીધો બીજો ભોગ

admin
1 Min Read

વડોદરામાં ડેન્ગ્યુનો વાવર હજી ઓછો થયો નથી અને તેના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. ઓક્ટોબરમાં ડેન્ગ્યુના 421 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ચાલુ મહિને નવેમ્બરના દસ દિવસમાં જ 112 પોઝિટિવ અને 302 શંકાસ્પદ કેસ નોંધાઈ ચુક્યા છે..ત્યારે વડોદરા શહેરમાં ડેન્ગ્યુએ 24 કલાકમાં બીજો ભોગ લીધો છે. વિદેશ અભ્યાસ કરવાની તૈયારી કરી રહેલાં તરસાલીના આશાસ્પદ યુવકનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે. ઉલ્લેખનિય છે કે, ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો હોવા છતાં વડોદરા મહાનગર સેવાસદન દ્વારા મચ્છરના ઉપદ્રવ અંગે કોઈ જ નક્કર કામગીરી હાથ ધરવામાં નિષ્ફળ પુરવાર થયું છે.શનિવારે ડેન્ગ્યુના કારણે ગોત્રી ગામના 31 વર્ષિય યુવાનના મોત બાદ  રવિવારે તરસાલી વિસ્તારના યુવકનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે. તરસાલી વિસ્તારનાં  શાંતિનગર સોસાયટીમાં રહેતો 24 વર્ષિય કૌશલ રાજેશભાઈ સેવક યુ.કે. અભ્યાસ કરવા જવાની તૈયારી કરી રહ્યો હતો. તેના વિઝા પણ આવી ગયા હતાં અને એકાદ મહિનામાં તે યુ.કે. જવાનો હતો. જોકે તાજેતરમાં કૌશલને તાવ આવતાં સ્થાનિક તબીબ પાસે સારવાર કરાવવામાં આવી હતી. બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રિપોર્ટ કરાવતાં ડેન્ગ્યુ પોઝિટીવ આવ્યો હતો. જોકે તેનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન જ કરુણ મોત નિપજ્યું હતું. કૌશલના મોતને પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. તેમજ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Share This Article