તેલંગાણામાં આફત બનીને તૂટી પડ્યો વરસાદ, પાણીના વહેણમાં ત્રણ કાર તણાઈ

admin
1 Min Read

તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં ગત મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પાટનગર હૈદરાબાદમાં વરસાદ આફત બનીને તૂટી પડતા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેના પગલે ટુ વ્હિલર અને ફોર વ્હિલર પણ પાણીના વહેણમાં તણાતી જોવા મળી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલ વિડિયો હૈદરાબાદના બોવેનપેલી વિસ્તારનો છે. જ્યાં ભારે વરસાદના કારણે એક કાર પર બીજી કાર ચઢી ગઈ અને પાણીના વહેણમાં તણાઈને આવેલી ત્રીજી કાર પણ આ બન્ને કારને જઈને અથડાઈ હતી. આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને વિડિયોથી જ અંદાજો લગાવી શકાય છે કે હૈદરાબાદમાં વરસાદના કારણે કેવી તારાજી સર્જાઈ છે.

હૈદરાબાદ ઉપરાંત તેલંગાણાના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે સોસાયટીઓમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે. તો રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા છે. હૈદરાબાદના બંડલગુરામાં એક ઘર પર મહાકાય પથ્થર પડવાથી બે મહિનાના બાળક સહિત 8થી વધુ લોકોના મોત થયાના પણ અહેવાલ છે. ભારે વરસાદના કારણે પોલીસ અને પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે અને રાહત અને બચાવની કામગીરી પણ અનેક વિસ્તારોમાં શરુ કરી દેવામાં આવી છે.

Share This Article