લો બોલો કોરોના સંક્રમણથી બચવા બનાવાયેલ ડિસઇન્ફેક્શન ટનલ જ સ્વાસ્થ્ય માટે હાનિકારક

admin
2 Min Read

દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે કોરોનાના શરુઆતના તબક્કામાં તેના સંક્રમણથી બચવા માટે સરકારી ઓફિસ અને સાર્વજનિક સ્થળો પર લગાવવામાં આવેલ ડિસઈન્ફેક્શન ટનલને હવે કેન્દ્રએ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવી છે. એટલે કે હવે ડિસઈન્ફેક્શન ટનલનો ઉપયોગ બંધ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અંગે એક અરજી પર સુનાવણી દરમિયાન જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે વિવિધ હેલ્થ એજન્સીઓના રિસર્ચથી જાણવા મળ્યું છે કે એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ તથા અન્ય સ્થળોએ લોકોને કોરોના સંક્રમણથી બચાવવા સેનિટાઇઝરનો છંટકાવ કરતી ટનલ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

જેથી કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડીને સંબંધિત એજન્સીઓને તેનો ઉપયોગ બંધ કરવા જણાવશે. કોર્ટે આ મામલે સુનાવણી બે અઠવાડિયા માટે ટાળી દીધી છે અને કેન્દ્ર સરકારને આ સંદર્ભે અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. મહત્વનું છે કે, આ અંગેની અરજી ગુરસિમરન સિંહ દ્વારા સુપ્રીમમાં દાખલ કરવામાં આવી હતી. અરજીમાં જણાવાયું હતું કે, આ પ્રકારે ટનલમાંથી પસાર થતાં બિમારીથી રક્ષણ નથી થતું. ઉલટાનું લોકો પર કેમિકલના સ્પ્રેના કેટલાક નકારાત્મક પરિણામ જોવા મળે છે.

સવાલ એ પણ ઉભો થાય છે કે કોરોના સંક્રમણથી બચવા માટે બનાવવામાં આવેલ આ ટનલ જ્યારે રીસર્ચમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે તેવુ સાબિત થયું છે. તેની વચ્ચે હજી પણ આ મામલાની સુનાવણી ટળી છે. આટલા મહિનાઓ સુધી મહત્વના કેસ જે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે તેના પર સુનાવણી કેમ ન થઈ? અહીં સરકાર તેમજ ન્યાયપાલિકા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

Share This Article