જાણો આવતીકાલે ‘ભારત બંધ’ના એલાનમાં શું ખુલ્લુ રહેશે અને શું બંધ?

admin
2 Min Read

ખેડુતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચમા તબક્કાની બેઠક બાદ પણ કોઈ પરિણામ બહાર આવ્યું નથી. 9 ડિસેમ્બરે બંને પક્ષો ફરી એક વખત બેઠક કરશે, પરંતુ આ દરમિયાન 8 ડિસેમ્બરે ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી ‘ભારત બંધ’ની હાકલ કરી છે. ખેડૂત આંદોલન (કિસાન આંદોલન)ને વિરોધી પક્ષો, ટ્રેડ યુનિયન, ઓટો અને ટેક્સી યુનિયનનું પણ સમર્થન મળી રહ્યું છે.

દેશવ્યાપી હડતાલની વચ્ચે સર્વિસ સેક્ટરની સેવાઓ પર પણ અસર થવાની ધારણા છે. બંધની મહત્તમ અસર દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં જોવા મળી શકે છે. ખેડૂત નેતા બલદેવસિંહ યાદવે કહ્યું, ‘ આવતીકાલે  8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે, જે સવારથી શરૂ થશે અને મોડી સાંજ સુધી ચાલશે. હડતાલ દરમિયાન દુકાનો અને ધંધા બંધ રહેશે.

જોકે, બંધ દરમ્યાન એમ્બ્યુલન્સ સહિત અન્ય કટોકટી સેવાઓ કાર્યરત રહેશે. ભારત બંધમાં જોડાતા ઓટો અને ટેક્સી યુનિયનને કારણે દિલ્હીવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. દિલ્હી ટેક્સી ટૂરિસ્ટ ટ્રાન્સપોટર્સ એસોસિએશનના પ્રમુખ સંજય સમ્રાટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, દિલ્હી સ્ટેટ ટેક્સી કોઓપરેટિવ સોસાયટી અને કોમી એકતા વેલ્ફેર એસોસિએશન પણ 8 ડિસેમ્બરે ભારત બંધમાં સમર્થન કરશે. સર્વોદય ડ્રાઇવર્સ એસોસિએશન, જેમાં મુખ્યત્વે ઓલા-ઉબેર ડ્રાઇવરોનો સમાવેશ થાય છે, તે પણ ટેકો આપશે. જોકે ગુજરાતમાં ભારત બંધની અસર જોવા નહીં મળે કારણકે રાજ્ય સરકાર તેમજ રાજ્ય પોલીસે ગુજરાતમાં કોઈપણ પ્રકારનું બંધ રહેશે નહીં તેવી જાહેરાત કરી છે. જોકે, તેમ છતાં કેટલાક વેપારીઓ સ્વેચ્છીક રીતે આ બંધમાં જોડાઈ શકે છે.

Share This Article