ગુજરાત-અમદાવાદથી સૌરાષ્ટ્રની ખાનગી બસોના ભાડામાં ચાર ગણો વધારો

admin
2 Min Read

કોરોનાના કેસમાં ઘટાડો થતાં બે વર્ષ બાદ દિવાળીના તહેવારોની રોનક જાણે પરત ફરી છે. લોકો દિવાળીની ઉજવણી કરવા પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદથી જુનાગઢ, ભાવનગર, જામનગર, સોમનાથ જવાના ભાડામાં જબરદસ્ત વધારો થયો છે. દિવાળી અગાઉ અમદાવાદથી ખાસ કરીને સૌરાષ્ટ્ર જવાના બસના ભાડામાં ચાર ગણો વધારો નોંધાયો છે. અમદાવાદ-રાજકોટની ખાનગી બસનું ભાડું સામાન્ય દિવસોમાં રૃપિયા 500ની આસપાસ હોય છે અને તે હવે વધીને રૂપિયા 1 હજાર થઇ ગયું છે. આવી જ સ્થિતિ ભાવનગરની છે જ્યાંનું બસ ભાડું રૂપિયા 1500ની નજીક છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ-ભાવનગરનું ભાડું રૂપિયા 500ની આસપાસ હોય છે. રવિવારે 22 થી વધુ એકસ્ટ્રા સંચાલનની એસ.ટી.બસો દાહોદ-ગોધરા-ઝાલોદ અને સૌરાષ્ટ્ર માટે ઉપડી હતી.

નિગમ દ્વારા મુસાફરોની ભીડને જોતા 50 એકસ્ટ્રા બસો તૈયાર રખાઇ હતી. ગીતા મંદિર, રાણીપ, બાપુનગર સહિતના વિવિધ એસ.ટી.સ્ટેન્ડો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ગુરૂવારે દિવાળી હોવાથી રવિવારની રજાનો લાભ લઇને મોટાભાગના પરિવારો વતન તરફ જવા ઉપડી ગયા હતા. શહેરના એન્ટ્રી ગેટ પર પણ મોટી સંખ્યામાં લોકો બસોની રાહ જોતા જોવા મળ્યા હતા. લકઝરી સહિતના ખાનગી વાહનો પણ મોટી સંખ્યામાં ભરાયા હતા. શનિવારે પણ અમદાવાદથી રૂટીન બસો ઉપરાંત વધારાની 20 બસો દોડાવવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ડીઝલમાં સતત વધારો થઇ રહ્યો છે એટલે પણ બસના ભાડામાં પણ નાછૂટકે વધારો કરવો પડયો છે. હજુ દિવાળી નજીક આવશે તેમ ખાનગી બસના ભાડામાં હજુ વધારો થાય તેમ મનાઇ રહ્યું છે.

Share This Article