ગુજરાતમાં કોરોનાકાળમાં ચૂંટણી સભા-પ્રચારને લઈ જાહેર કરાઈ માર્ગદર્શિકા

admin
1 Min Read

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ અને લોકોના આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે ચૂંટણી પ્રચાર સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે. એટલે કે વિધાનસભાની પેટાચૂંટણી સમયે સભા-પ્રચાર માટે રાજકીય પાર્ટીઓએ આ નિયમોનું પાલન કરવાનું રહેશે. જે જગ્યાએ ચૂંટણી યોજાવાની છે ત્યાં પ્રચાર સભા કે અન્ય પ્રચાર માટે જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરની મંજૂરી મેળવવાની રહેશે.

ચૂંટણી પ્રચાર સમયે સભાના આયોજન માટે સ્થળની ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 200 વ્યક્તિની મર્યાદા રહેશે. તેમજ 6 ફૂટની દૂરી સાથેનું ફિઝીકલ ડિસ્ટન્સ અને સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખવો પડશે.

આ દરમિયાન કોરોનાના સંક્રમણને જોતા હેન્ડવોશ, સેનેટાઈઝરની સુવિધા પણ રાખવાની રહેશે. જ્યારે ચૂંટણી સભામાં સ્ટેજ પર સાત લોકોને બેસવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ રાજકીય પક્ષોને પોતાના ઉમેદવાર સહિત પાંચ લોકોને ડોર ટૂ ડોર પ્રચાર કરવા મંજૂરી અપાઈ છે. જ્યારે રોડ શો-બાઈક રેલી દરમિયાન વાહનોના કાફલામાં દર 5 વાહનો પછી યોગ્ય અંતર રાખવાનું રહેશે.

મહત્વનું છે કે, રાજ્યની અબડાસા, ધારી, લિંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ, મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર આગામી 3 નવેમ્બરે પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. જેની 10 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

Share This Article