હવે દુષ્કર્મ કેસમાં પોલીસ સામે ગૃહ મંત્રાલયની લાલ આંખ, બહાર પાડી એડવાઈઝરી

admin
2 Min Read

ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત છોકરી સાથે કથિત ગેંગરેપ અને હત્યાના કેસ બાદ દેશમાં ફરી એક વખત મહિલા સુરક્ષા પર સવાલ ઉભા થયા છે. દેશમાં આ વાતને લઈને ફરી એકવાર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે..ત્યારે ગૃહ મંત્રાલયે દેશમાં મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓને ધ્યાનમાં રાખી એડવાઈઝરી રજૂ કરી છે. હાથરસની ઘટનામાં જે રીતે પોલીસે પ્રારંભિક સ્તરે બેદરકારી દાખવી હતી તે ખામીઓને દૂર કરવા મંત્રાલયે જણાવ્યું છે.

મહિલા સામે અત્યાચારના કેસોમાં અવારનવાર એવું સામે આવતું હોય છે કે પીડિત મહિલા પોલીસ સ્ટેશનના આંટાફેર કરવા માટે મબજૂર બને છે. ત્યારે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે હવે મહિલા સામે ગંભીર અપરાધના કેસમાં ફરિયાદ નોંધવી અનિવાર્ય રહેશે. મંત્રાલયે આઈપીસી અને સીપીસીની જોગવાઈ અંગે જણાવતા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોને તેનું કડકાઈથી પાલન કરવાનું કહ્યું છે. સાથે જ ગૃહ મંત્રાલયે બેદરકારી બદલ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે. સરકારે યાદ અપાવ્યું કે કાયદામાં ઝીરો ફરિયાદ નોંધવાની પણ જોગવાઈ છે.

ઉલ્લેખનીય છે કે ઝીરો ફરિયાદ ત્યારે દાખલ કરવામાં આવે છે જ્યારે ગુનો જે તે પોલીસ સ્ટેશનની હદ બહાર બન્યો હોય. એડવાઈઝરીમાં જણાવાયું છે કે, સીઆરપીસીની કલમ 164-A પ્રમાણે દુષ્કર્મના કોઈ પણ કેસમાં સૂચના મળ્યાના 24 કલાકની અંદર પીડિતાની સહમતિ સાથે નોંધાયેલા ડૉક્ટર પાસે તેની મેડિકલ તપાસ કરવી જરૂરી છે.

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દુષ્કર્મ, શારીરિક છેડતી, હત્યા જેવા ગંભીર કેસમાં ફોરેન્સિક સાયન્સ સર્વિસિઝ ડિરેક્ટોરેટ તરફથી પુરાવા એકઠા કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આવા કેસમાં પુરાવા એકઠા કરવા માટે માર્ગદર્શિકાનું પાલન કરવું જરુરી છે.

Share This Article