ગુજરાત : ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાયા, CR પાટીલે ગજેરાને કેસરિયા ખેસ પહેરાવ્યો

admin
2 Min Read

સુરતના પાટીદાર નેતા ધીરૂ ગજેરા આખરે સી.આર. પાટીલના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. પાટીદાર ચહેરા એવા ધીરૂ ગજેરાએ પોતાના ઘરે પરત ફર્યા હોય તેવી વાત કરી હતી. ઉધનામાં આવેલા કમલમ ખાતે ધીરૂ ગજેરા સહિત તેમના સમર્થકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ધીરુ ગજેરા જનસંઘ સાથે કોર્પોરેટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ભાજપમાંથી ત્રણ ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. 2007માં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી ફરી તેઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી ત્રણ વિધાનસભા અને એક લોકસભા માટે ઉભા રહ્યા હતા. 2017 વિધાનસભામાં પાટીદાર ફેક્ટરથી વરાછા બેઠક પર ચૂંટણી લડયા હતા.

કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓ વિધાનસભા અને લોકસભા મળીને સતત ચાર ચૂંટણીમાં પરાજીત થયા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ફરી તેઓ ભાજપમાં જોડાયા છે. આ અંગે ઉધના ભાજપ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા. ધીરૂ ગજેરાએ જણાવ્યું હતું કે, દિલીપ સંઘાણી અને ભરત બોઘરા સાથે વાત થયા બાદ ભાજપમાં જોડાયો છું. તેઓ મારા ખૂબ નજીકના છે અને તેમના કહેવા પ્રમાણે સીઆર પાટીલે મને સમય આપ્યો અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ ગ્રીન સિગ્નલ આપતા જ હું મારા ઘરે પરત ફર્યો છું. જીવનના અંતિમ શ્વાસ સુધી હવે ભાજપ પક્ષ માટે જ કામ કરવું છે.

Share This Article