24 કલાકમાં કોરોનાના 308 નવા કેસ, જેમાં અમદાવાદના 234 કેસઃ જયંતિ રવિ

admin
3 Min Read

અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 16 દર્દીના મોત થયા છે. જ્યારે 93 દર્દી સાજા થયા છે. આમ કુલ દર્દી 4082 અને મૃત્યુઆંક 197એ પહોંચ્યો છે. તેમજ  527 દર્દીઓને રજા આપવામાં આવી છે.

લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપીડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું છે. રાજ્યમાં 8900 જેટલા ટેસ્ટિંગ કર્યા બાદ રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. ચીનથી મંગાવવામાં આવેલી કીટથી મોટાભાગના દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવતા હતા. અનિર્ણાયક પરિણામો મળતા હોવાથી કેન્દ્ર સરકારે આ ટેસ્ટિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છેકે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેપીડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એ જિલ્લાઓને કોરોના ફ્રી જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વિધામાં મુકાયા છે.

ટૂ વ્હીલર પર એકથી વધુ અને કારમાં બેથી વધુ લોકો સવાર હશે તો વાહન જપ્ત થશે
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, લોકો વચ્ચેનો સંપર્ક ઘટે તે જરૂરી છે. ટૂ વ્હીલર પર એક જ વ્યક્તિએ જરૂર હોય તો બહાર નીકળવું જોઇએ. કારમાં બેથી વધુ લોકો સાથે બેસે તો સંક્રમણ થઇ શકે છે. જો ટૂ વ્હીલરમાં એકથી વધુ અને કારમાં બેથી વધુ લોકો હશે તો વાહન જપ્ત કરવામાં આવશે.  ગ્રીનઝોન વિસ્તારના લોકોએ પણ તકેદારી રાખવાની જરૂર છે. સંક્રમણ વધુ હોય ત્યાં સાવચેતીના ભાગરૂપે છૂટછાટ રદ કરવામાં આવી શકે છે. તેમજ જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે નહીં તો ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. પંચમહાલમાં જરૂરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો ખોલવા મંજૂરી અપાઈ હતી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા પંચમહાલમાં ચુસ્ત લોકડાઉનનું પાલન કરવા આદેશ કરાયો છે અને એસઆરપીની ટીમ મોકલવામાં આવી છે.

સરકાર દ્વારા તુવેરની ખરીદી કરવામાં આવશે, 1મેથી 5મે દરમિયાન ખરીદી કરાશેઃ અશ્વિની કુમાર
મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં પાણીની સ્થિતિ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે પ્રકારનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. આ માટે જિલ્લા કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ હેડપમ્પ તાત્કાલિક રિપેર કરીને ચાલુ કરાવવા માટે પણ જણાવાયું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે, સરકાર દ્વારા તુવેરની ખરીદી શરૂ કરવામાં આવશે. સરકાર 1 મેથી 5 મે સુધી તુવેરની ખરીદી કરશે. આ માટે 1 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. ઉપરાંત જે ખેડૂતો બાકી રહી ગયા છે તેવા 12 હજાર ખેડૂતોને પણ તેનો લાભ મળશે. ગુજકોમાસોલ દ્વારા ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે.

રાજ્યમાં છ શહેરને રેડ ઝોન જાહેર કરાયા
રાજ્યના 6 શહેર એવા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ અને ભાવનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેમજ 3જી મેએ લોકડાઉન ખોલવા અંગે ચર્ચા કરવા CM રૂપાણીએ મંત્રીઓની બેઠક બોલાવી છે.

28 એપ્રિલે અમદાવાદમાં 19ના મોત
રાજ્યમાં ગઇકાલે જે 19 દર્દીના મોત નોંધાયા છે એ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. 19 મોતમાંથી 4 દર્દીના પ્રાથમિક રીતે કોરોનાથી જ્યારે 15 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 28 એપ્રિલે વધુ 40 દર્દી સાજા થયા છે.

Share This Article