ગુજરાત : ગાંધીનગરમાં રેલ્વે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલમાં લિકર શૉપ ખૂલશે, લાઈસન્સ માટે કરવી પડશે અરજી

admin
2 Min Read

ગુજરાતના ગાંધીનગરમાં રેલ્વે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. દેશના કોઈ પણ રેલ્વે સ્ટેશનમાં આજ સુધી એવી કોઈ હોટલ નથી અને તે ભવિષ્યમાં ભાગ્યે જ બનાવવામાં આવશે. આ રેલ્વે સ્ટેશન આધુનિક બનાવવામાં આવ્યું છે. આ રેલ્વે સ્ટેશન ફાઇવ સ્ટાર હોટલ હેઠળ બનાવવામાં આવ્યું છે. ત્યારે આ હોટેલની માલિકી સરકારની છે પરંતુ તેનું સંચાલન લીલા ગ્રૂપને આપવામાં આવ્યું છે. તેવામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં આવનારાં મહેમાનોની સુવિધાની સરભરા માટે લીલા આગામી સમયમાં આ હોટેલમાં પરમિટ લિકર શોપ પણ ઊભી કરશે. આ હોટેલમાં મહેમાનોની આવનજાવન નિયમિત બને તે પછી લિકર શોપ અને બાર ઊભાં કરવામાં આવશે.

આ સાથે ગુજરાત સરકારની માલિકીની મિલકત એવી હોટેલ કે ગેસ્ટ હાઉસમાં આ પહેલી હોટેલ હશે જેમાં લિકર શોપ હશે અને તે પણ ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ હોટેલની માલિકી ભલે ગુજરાત સરકારની હોય પરંતુ તેમાં હોસ્પિટાલિટીના સ્ટાન્ડર્ડ ફાઇવસ્ટાર હોટેલ પ્રમાણે લીલા પોતે અનુસરશે. આથી ગુજરાત સરકારે તેને સંચાલન આપ્યું હોવાથી લીલા ગ્રૂપે સરકારમાં લિકર શોપ ઊભી કરવા અરજી કરવાની રહેશે. જે મંજૂરી રાજ્ય સરકારનું નશાબંધી અને આબકારી ખાતું આપશે. મહત્વનું છે કે ગુજરાત સરકારના પ્રવાસન નિગમના વિવિધ સ્થળે ગેસ્ટ હાઉસ તેમજ સરકારના દિલ્હી સહિતના વિવિધ મહાનગરોમાં ભવન પણ છે, પરંતુ આ પૈકી કોઇમાં પણ દારૂની પરમિટ ધરાવતી શોપ નથી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અગાઉ ફોરેન ગેસ્ટ આવતા હોવાથી તેમના માનમાં યોજાતાં ગાલા ડીનરમાં શુદ્ધ શાકાહારી ભોજન જ પિરસવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલાં સ્થળને કારણે ગાંધી વિચારધારાને લઇને વિદેશી મહેમાનોને નોનવેજ કે શરાબ પિરસવામાં નથી આવતા. સરકારે સ્પષ્ટતા કરી હતી કે જો આ મહેમાનોને નોનવેજ કે શરાબ જોઇએ તો તેઓ જ્યાં રોકાયાં હોય તે હોટલ પર જ મળશે.

Share This Article