ગુજરાત : સવાણી VS ગજેરા: ધીરુભાઈ ગજેરા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે,

admin
2 Min Read

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાને હજુ ઘણો સમય બાકી છે, પરંતુ અત્યારથી રાજકીય પક્ષોની તૈયારીઓ જોવા મળી રહી છે. નાના-મોટા નેતાઓ પોતાની જગ્યા શોધીને ફરી એક વખત પોતાના મનગમતા પક્ષ તરફ દોડી રહ્યા છે… ત્યારે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાય તેવા સમાચાર સામે આવ્યા છે. સુરતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ધીરુભાઇ ગજેરા ભાજપનો ખેસ ધારણ કરશે. આ સાથે જ ભાજપ પાટીદાર નેતાને પોતાનામા સામેલ કરીને મોટુ કાર્ડ રમી રહ્યું છે. ત્યારે સૂત્રોના કહેવા પ્રમાણે ધીરુ ગજેરાનું ભાજપમાં જોડાવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. ધીરુ ગજેરા ગુજરાતના રાજકારણમાં મોટું નામ છે. એક સમયે તેઓ ભાજપના જ સદસ્ય હતા. ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા. વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા અને ધારાસભ્ય પણ બન્યા હતા.

ધીરુ ગજેરા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરીથી ભાજપમાં આવી રહ્યાં છે. પાટીદાર ફેક્ટર સાથે જોડાયેલા ધીરુ ગજેરા ભાજપમા જાય તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. આ સાથે જ સુરતના રાજકારણમાં મોટાપાયે ફેરફાર થશે. ધીરુ ગજેરા પાટીદારોના નેતા છે. તેઓ પાટીદાર મત ભાજપના ખોળામાં લાવવામાં સફળ બની શકે છે. સાથે જ ભાજપ સુરતમાં સવાણી VS ગજેરાની રણનીતિ કરવાના મૂડમાં છે. તાજેતરમાં જ સુરતના ટોચના પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાયા છે. ત્યારે પાટીદારોની નારાજગી દૂર કરવા ભાજપ માટે ધીરુ ગજેરાનું જોડાવુ હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.

Share This Article