ગુજરાતના શિક્ષિત બેરોજગાર ઉમેદવારનું ટ્વીટર અભિયાન, GTU પરીક્ષા રદ કરવા પણ માંગ

admin
2 Min Read

હાલ સમગ્ર રાજ્ય મહામારી કોરોના સામે જંગ લડી રહ્યું છે, ત્યારે લોકડાઉનને કારણે યુવાઓ પણ બેરોજગાર બની રહ્યાં છે. માત્ર એટલું જ નહીં, ભરતી પ્રક્રિયા પણ અટકી પડી છે.

ગુજરાત સરકારમાં ક્લાસ વન- ટુથી લઈને વર્ગ ત્રણમાં ક્લાર્ક અને શિક્ષક સહાયક તેમજ લોકરક્ષકદળની નોકરીઓમાં ભરતી પ્રક્રિયા ઠપ થઈ પડતા પરીક્ષાઓની તૈયારી કરતી એક આખી યુવા પેઢીમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને LRD(લોક રક્ષક દળ)ના ભરતી વિવાદને લઈ યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં ભરતીને લઈને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત વિદ્યાર્થી ઉમેદવારોએ સોશિયલ મીડિયા મારફતે રાજ્યની સત્તાધારી પાર્ટી ભાજપને નિશાને લીધી હતી. વિદ્યાર્થી ઉમેદવારોએ ગુજરાત કા બેરોજગાર હેશટેગ સાથે ટ્વિટર પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

 

આમ ગાંધીનગરમાં ફરી આંદોલનના મંડાણ થવા લાગ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે ટ્વિટર પર #में_गुजरातका_बेरोजगार અને #MeritBasedPromotionGTU ટ્રેન્ડ કરી રહ્યા છે. ઉમેદવારો રાજ્ય  સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તેમજ રોષ ઠાલવી ભરતી અંગે સવાલ પૂછી રહ્યા છે. સાથે જ જલદી રોજગારી આપવા માગ કરી રહ્યા છે.

આ ઉપરાંત 2 જુલાઈએ યોજાનારી GTUની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. આ પરીક્ષા આપવા માટે માટે 57 હજાર વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 1300 વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષા આપશે જ્યારે 900 વિદ્યાર્થી કોરોના કાબૂમાં આવી જાય ત્યાર પછી પરીક્ષા આપવા માગે છે. આમ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન તો કરાવ્યું પણ કોરોનાને લઈને ચિંતા યથાવત છે. જેને પગલે સોશિયલ મીડિયા પર #MeritBasedPromotionGTU ટ્રેન્ડ કરી રહ્યું છે. જેમાં મેરિટ આધારિત પ્રમોશન આપવા માંગ કરવામાં આવી રહી છે.

Share This Article