કોરોનાકાળમાં નીતિન પટેલના રાસડા લેવાના અભરખા કેટલા યોગ્ય…

admin
2 Min Read

ચીનના વુહાન શહેરથી શરુ થયેલો કોરોના વાયરસ આજે વિશ્વના મોટાભાગના દેશોમાં ફેલાયો છે. આ વાયરસના કહેરમાં ભારતમાં પણ ભરડો રોજે રોજ વધી રહ્યો છે અને એ હદે વધી રહ્યો છે કે ભારત પ્રભાવિત દેશોની યાદીમાં બીજા નંબરે આવી ગયુ છે. ભારતમાં ગુજરાત પણ એવુ રાજ્ય છે જ્યાં કોરોનાના કેસોની સંખ્યા 1 લાખની ઉપર પહોંચી ગઈ છે. લોકડાઉનમાં ભારતે આ વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવામાં ઘણા ખરા અંશે સફળતા મેળવી પરંતુ જેવુ લોકડાઉન હટ્યું કે કોરોનાનો રાફડો ફેલાતો ગયો. લોકડાઉન બાદ અનલોકની શરુઆત થઈ. તેમાં કેટલાક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી.

ગુજરાતમાં પણ આ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. જેમાં ધાર્મિક ઉત્સવો, રાજકીય મેડાવળા તેમજ તહેવારોની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, આગામી સમયમાં ગુજરાતીઓની પ્રિય એવી નવરાત્રિ એટલે કે ગરબાનો તહેવાર નજીક આવી રહ્યો છે.

ત્યારે આ બધાની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી થઈ શકે છે તેવું નિવેદન આપ્યુ છે. નાયબ મુખ્યમંત્રીના આ અભરખા જનતાને તેમજ સરકારને પણ ભારે પડી શકે એમ છે. કારણકે ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ઘટી રહ્યા નથી કે નાયબ મુખ્યમંત્રી ગુજરાતમાં ગરબાની મંજૂરી આપવાની વાત કરી રહ્યા છે.

ગરબાનો વિરોધ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા પણ કરવામાં આવ્યો છે. તેમણે સરકારને જણાવ્યું છે કે ગરબાની મંજૂરી ગુજરાત માટે ઘાતક નિવડી શકે છે. એટલુ જ નહીં તેમણે સરકારને ચીમકી આપી છે કે જો ગરબાની પરમિશન આપવામાં આવી તો અમે ગરબાના કારણે કોરોના સંકર્મિત થનારની સારવાર નહીં કરીએ. ડોક્ટરોનો આ ગુસ્સો પણ યોગ્ય જ છે કારણકે તેઓ કોરોના વોરિયર્સ તરીકે છેલ્લા કેટલાક મહિનાથી કામ કરી રહ્યા છે તેવામાં જો સરકાર આવા નિર્ણય લેશે તો સંક્રમણ ઘટવાની જગ્યાએ ઉલટાનું વધશે. ત્યારે તેમની આટલી મહેનત પર પણ પાણી ફરી વળશે.

(ચિંતન મિસ્ત્રી, અમદાવાદ)

Share This Article