અયોધ્યામાં રામ મંદિરના પહેલા સ્તંભ માટે ડ્રિલિંગ કામ શરુ કરાયું

admin
1 Min Read

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામજન્મભૂમિમાં બિરાજમાન રામલલ્લાના મંદિર નિર્માણ માટે હવે મંદિરના પહેલા સ્તંભ માટેનું ડ્રિલીંગ કામ શરુ કરી દેવામાં આવ્યું છે. ડ્રિલિંગ શરૂ કરતા પહેલાં એન્જિનિયરો અને શ્રમિકોએ જન્મભૂમિ પર ભગવાન વિશ્વકર્માની પૂજા કરી, જેથી મશીનો અને ઉપકરણો કોઇ અવરોધ વિના કામ કરી શકે. આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો, શ્રીરામ મંદિરના વાસ્તુકાર આશિષ સોમપુરા પણ હાજર હતા.

આ પહેલા ભૂમિગત સ્તંભનો 1 મહિનામાં ટેસ્ટ થશે. 5 એકરમાં નિર્માણ પામનાર અયોધ્યા મંદિરના પાયા માટે જમીનની અંદર 1 મીટર વ્યાસના 100થી 150 ફૂટના 1,200 સ્તંભ બનાવવામાં આવશે.

આ તમામ સ્તંભ કોંક્રીટના હશે. એટલુ જ નહીં આ સ્તંભ 1 હજાર વર્ષ સુધી ટકી રહે તેવા મજબૂત તૈયાર કરવામાં આવશે. જેની ઉપર મંદિરનું 19 ફૂટ ઊંચુ કોંક્રીટનું પ્લેટપોર્મ તૈયાર કરવામાં આવશે, જેની ઉપર 161 ફૂટ ઊંચુ અને 5 શિખરવાળુ શ્રી રામ મંદિર બનશે.

મહત્વનું છે કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના પગલે મંદિર નિર્માણ સમિતિની બેઠક પણ મળી હતી. આ બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી. બેઠકમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય અને એલએન્ડટીના અધિકારીઓ સામેલ થયા હતા. વર્ષોની પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેને લઈ કરોડો દેશવાસીઓમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

Share This Article