ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસકો તો જોઈએ એટલા મળી જાય છે પરંતુ ભારતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચાહકો પણ ઓછા નથી. અમેરિકામાં કદાચ ડોનાલ્ડ ટ્રમ્પની મૂર્તિની કોઈ પૂજા-અર્ચના કરતું હોય કે ન કરતું હોય પણ તેલંગાણામાં એક યુવક ટ્રમ્પની મૂર્તિની પૂજા-અર્ચના દરરોજ કરે છે.
તેલંગાણાના કોન્નય ગામના નિવાસી બુસા ક્રિષ્ના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પ્રશંસક છે. બુસા ટ્રમ્પની પૂજા પણ કરે છે અને તેમની તસવીર પોતાની સાથે રાખે છે. ઉપરાંત બુસાએ ટ્રમ્પની મૂર્તિ પણ બનાવી રાખી છે જ્યાં તે ટ્રમ્પની મૂર્તિનો દૂધથી અભિષેક પણ કરે છે..
હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પની સાથે ભારત પ્રવાસ આવી રહ્યા છે. ત્યારે બુસાએ ટ્રમ્પને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પને મળવાને લઈને બુસાએ કહ્યું કે, ‘હું ઇચ્છું છું કે ભારત-અમેરિકાના સંબંધ મજબૂત બને. દર શુક્રવારે હું ટ્રમ્પની લાંબી ઉંમર માટે વ્રત રાખું છું. હું મારી પાસે ટ્રમ્પની તસવીર રાખુ છું અને કંઈપણ કામ હોય તો શરૂઆત કરતા પહેલા ટ્રમ્પની પૂજા કરુ છું. મારી ઇચ્છા તેમને મળવાની છે. મારી સરકારને અપીલ છે કે તે ટ્રમ્પની સાથે મુલાકાતના મારા સપનાને હકીકત બનાવે.’