મન કી બાતમાં વડાપ્રધાને આયુર્વેદ અને યોગનો કર્યો ઉલ્લેખ

admin
2 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત રેડિયો કાર્યક્રમના 65માં ભાગમાં એકવાર ફરી દેશની જનતાને સંબોધન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના સામેની લડાઇમાં આયુર્વેદ મહત્વનું ભાગ ભજવે છે અને વિશ્વ પણ આ માને છે.

મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓ આત્મનિર્ભર થઈ રહ્યા છે અને સેવા પરમો ધર્મને પણ અપનાવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે હવે શ્રમિકો અને ગરીબો જે સૌથી વધુ પ્રભાવિત છે તેમની પર ધ્યાન અપાશે. જ્યાં સ્વાસ્થ્યની સેવા ઓછી છે તેમને સારવારની સુવિધા અપાશે.

પીએમ મોદીએ કોરોના વાયરસના આ સમયમાં ભારતની સ્થિતિ અન્ય દેશોની તુલનામાં ઘણી સારી હોવાનું તેમજ કોરોનાની વેક્સિન માટે વિશ્વની નજર ભારત પર હોવાની પણ વાત કરી. વડાપ્રધાને કોરોના સંકટના આ સમયમાં યોગ વધુ મહત્વનો હોવાનું પણ જણાવ્યું. કારણ કે આ વાયરસ આપણી શ્વસન તંત્રને સૌથી વધુ પ્રભાવિત કરે છે.

યોગમાં તો શ્વસન તંત્રને મજબૂત કરનાર ઘણા પ્રાણાયામ છે, જેની અસર આપણે લાંબા સમયથી જોઈ રહ્યાં છીએ.  વડાપ્રધાને આ દરમિયાન આયુષ મંત્રાલય દ્વારા ‘My Life, My Yoga’ નામથી આંતરરાષ્ટ્રીય વીડિયો બ્લોગ સ્પર્ધાનો પણ ઉલ્લેખ કર્યો.

દરેક જગ્યાએ લોકો યોગની સાથે-સાથે આયુર્વેદ વિશે પણ જાણવા ઈચ્છી રહ્યાં છે. ઘણા લોકો જેણે ક્યારેય યોગ કર્યો નથી તે ઓનલાઇન યોગા ક્લાસ સાથે જોડાઇ રહ્યાં છે અથવા વીડિયો દ્વારા શીખી રહ્યાં છે.

Share This Article