93 વર્ષમાં જ ભારતમાં નવુ સંસદ? ….આ દેશોમાં સદીયો જૂની ઈમારતોમાં ચાલે છે સંસદ….

admin
3 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. નવુ સંસદ ભવન વર્ષ 2022 સુધીમાં તૈયાર થશે, જેમાં અનેક આધુનિક સુવિધાઓ હશે. નવા સંસદ ભવન માટે કેન્દ્ર સરકારે ખજાનો ખોલી દીધો છે. આશરે 971 કરોડ રુપિયાના ખર્ચે આ સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવશે.

સંસદને ભવિષ્યની જરૂરિયાતો, વધુ સાંસદોની સંખ્યાના આધારે બનાવવામાં આવી રહ્યું છે. જો કે દુનિયાના અન્ય દેશોની સંસદ સાથે સરખામણી કરવામાં આવે તો ભારતનું સંસદ ભવન હજી નવુ જ છે અને તેને બને માત્ર 92 વર્ષ જ થયા છે.

એટલુ જ નહીં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ વચ્ચે બનાવવામાં આવનાર સંસદના આ નવા ભવનને બનાવવા માટે પહેલા કરોડો રુપિયાના ખર્ચે બનેલી ઈમારતોને તોડવી પડશે. દુનિયામાં એવા પણ કેટલાય સંસદ છે જે વર્ષો જુના છે, ત્યારે ભારતીય સંસદને હજી 100 વર્ષ પણ પુરા નથી ત્યાં તો તેની પાછળ કરોડોનો ખર્ચ કરી નવું સંસદ નિર્માણ કરાઈ રહ્યું છે.

નેધરલેન્ડનું સંસદ ભવન દુનિયામાં સૌથી જુનું

દુનિયાભરમાં નેધરલેન્ડના સંસદની બિલ્ડિંગ ધ બિન્નેનહોફ સૌથી જુની માનવામાં આવે છે જેનો ઉપયોગ હાલમાં પણ થાય છે. નેધરલેન્ડના હેગ શહેરમાં આ ભવનનું નિર્માણ 13મી સદીમાં કરવામાં આવ્યુ હતું. આ ભવનના બન્ને સદનોમાં સંસદની બેઠકો થાય છે. અહીં જ દેશના વડાપ્રધાનનું કાર્યાલય પણ છે.

16મી સદીમાં બન્યું હતું ઈટલીનું સંસદ ભવન

નેધરલેન્ડની જેમ જ ઈટલીનું સંસદ ભવન પણ ઘણુ જુનુ છે. ઈટલીના સંસદ ભવનનું નામ પલાજ્જો મડામા છે અને તે ઈટલીની રાજધાની રોમમાં આવેલુ છે. જેનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યુ હતું. શરુઆતમાં આ ભવનનું નિર્માણ મેડિસી પરિવાર માટે કરવામાં આવ્યુ હતું, જોકે ત્યારબાદ અહીં સંસદ ભવન બનાવી દેવામાં આવ્યુ. 

200 વર્ષ જૂનું છે અમેરિકાનું સંસદ ભવન “કેપિટલ”


દુનિયાના સૌથી જૂના લોકતાંત્રિક દેશમાં સામેલ અમેરિકાનું સંસદ ભવન કેપિટલનું નિર્માણ 1800માં પુરુ થયુ હતું અને તેને નોર્થ અને સાઉથ અમેરિકામાં સૌથી જૂનું સંસદ ભવન માનવામાં આવે છે. અમેરિકાની જેમ જ બ્રિટેનનું સંસદ ભવન પણ ખૂબ જ જૂનું છે. બ્રિટેનના હાઉસ ઓફ કોમન અને હાઉસ ઓફ લોર્ડ્સનું નિર્માણ ક્રમશ: 1840 અને 1870માં થયુ હતું.

ચીનનું સંસદ ભવન

દુનિયાભરમાં 20મી સદીમાં પણ ઘણા સંસદ ભવનનું નિર્માણ થયું છે. જેમાં ચીનનું ગ્રેટ હોલ ઓફ ધ પીપલ 1959માં બનીને તૈયાર થયુ હતું. જ્યારે 1921માં ભારતનું સંસદ ભવન બનીને તૈયાર થયુ હતું. એડવિન લુટિયંસના ડિઝાઈનના આધાર પર આ સંસદ તૈયાર કરાયુ હતું. જેને બનાવવામાં તે સમયે 83 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પરિસર 2.4 હેક્ટર વિસ્તારમાં પથરાયેલુ છે.

Share This Article