પીએમ મોદીએ નવા સંસદ ભવનની આધારશિલા મૂકી, આધુનિક સુવિધાઓથી હશે સજ્જ

admin
2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં બનવા જઈ રહેલ નવા સંસદ ભવનનો શાસ્ત્રોક્ત વિધિના આધારે ભૂમિ પૂજનની સાથે આધારશિલા મૂકી. આધુનિક સુવિધાઓથી સજ્જ થનાર ચાર માળના સંસદ ભવનનું નિર્માણ કાર્ય ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ સુધી પૂરી થવાની શક્યતા છે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વિવિધ રાજકીય પાર્ટીના નેતા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રી, મોટી સંખ્યામાં સાંસદ અને અનેક દેશોના રાજદૂત આ ઐતિહાસિક અવસરના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક છે અને માઇલસ્ટોન સાબિત થશે. દેશમાં હવે ભારતીયતાના વિચારોની સાથે નવી સંસદ બનવા જઈ રહી છે, આપણે દેશવાસી મળીને સંસદના નવા ભવનનું નિર્માણ કરીશું. જ્યારે ભારત પોતાની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરશે, ત્યારે સંસદની ઈમારત તેની પ્રેરણા હશે.

મહત્વનું છે કે, નવું સંસદ ભવન ત્રિકોણ આકારનુ હશે અને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ હશે. આ પ્રોજેક્ટમાં સંસદ ભવન બનાવવાની સાથે સાથે રાષ્ટ્રપતિ ભવન થી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર લાંબા રાજપથની બંને તરફ આવેલા વર્તમાન કાર્યાલયો અને નિવાસ સ્થાનોને હટાવીને સંયુક્ત કેન્દ્રીય સચિવાલય અને બીજી ઈમારતોનુ બાંધકામ કરવામાં આવશે. હાલમાં જ્યાં સંસદ ભવન પરિસર છે ત્યાં જ સંસદની નવી ઈમારતનુ પણ નિર્માણ થશે વર્ષ 2022 સુધીમાં સંસદની નવી ઇમારતનું નિર્માણ પૂર્ણ કરવાની યોજના છે.

Share This Article