ભારત-બી એસ એસએફ અધિકારોમાં વધારો કરાયો

admin
1 Min Read

કેન્દ્રએ આતંકવાદ અને સરહદ પારની ગુનાખોરી પર સકંજો કસવાના હેતુથી બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારો વધારી દીધા છે. બીએસએફ હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય ક્ષેત્રની અંદર 50 કિ.મી. સુધી સર્ચ ઓપરેશન કરી શકશે. એટલું જ નહીં, બીએસએફને હવે શંકાસ્પદોની ધરપકડ કરવાના તેમજ તેમની ગેરકાયદે ચીજવસ્તુઓ જપ્ત કરવાના અધિકાર પણ અપાયા છે. પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ જેવા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રાજ્યોમાં પહેલા આ દાયરો ફક્ત 15 કિ.મી. સુધી જ હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નવા આદેશના કારણે કેટલાક રાજ્યોમાં બીએસએફનું અધિકાર ક્ષેત્ર વધ્યું છે,

તો કેટલાકમાં ઘટી ગયું છે. આ આદેશ પ્રમાણે, બીએસએફના અધિકારીઓ 10 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાજનક ગેરકાયદે ગતિવિધિ સામે કેન્દ્ર કે રાજ્ય સરકારની મંજૂરી વિના સરહદથી 50 કિ.મી. અંદર સુધી કાર્યવાહી કરી શકશે. બીએસએફના સૌથી નીચલા રેન્કના અધિકારીઓને પણ સીઆરપીસી હેઠળ મેજિસ્ટ્રેટના આદેશ કે વૉરન્ટની જરૂર નહીં પડે. આ ઉપરાંત ગુજરાતમાં બીએસએફનું અધિકાર ક્ષેત્ર 80થી ઘટાડીને 50 કિ.મી. સુધી કરાયું છે, જ્યારે રાજસ્થાનમાં બીએસએફનું અધિકાર ક્ષેત્ર 50 કિ.મી. જાળવી રખાયું છે. બીજી તરફ, પૂર્વોત્તર ભારતના પાંચ રાજ્ય મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં બીએસએફનું અધિકાર ક્ષેત્ર અમર્યાદિત હતું, જે ઘટાડીને 50 કિ.મી. સુધી કરાયું છે.

Share This Article