કોરોના સામેની જંગ માટે બનાવાયેલ સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 નિષ્ફળ

admin
1 Min Read

રાજ્યનું સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 ફેઈલ ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ધમણ-1 વેન્ટિલેટર કોરોનાની મહામારીને પહોંચી વળવા તાત્કાલિક ધોરણે રાજકોટમાં બનાવાયું હતું. પરંતુ કોરોનાના દર્દીઓની સારવારમાં ધમણ-1 અસરકારક નથી.

રાજકોટમાં બનેલા સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કારગર નથી નીવડ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી.

જેમાં સિવિલના તબીબો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે, ધમણ-1 અને એજીવીએ વેન્ટિલેટરનો કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યુ પરિણામ મળી શકતું નથી.

આથી સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 50 અને કિડની હોસ્પિટલ માટે 50 એમ કુલ 100 હાઈ-એન્ડ આઈસીયુ વેન્ટિલેટરની તાત્કાલિક જરૂરિયાત હોવાથી તે ફાળવવામાં આવે. હાલ 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 75 ધમણ-1 વેન્ટિલેટર કાર્યરત છે.

આ વેન્ટિલેટર ઉપર કોરોનાના ગંભીર દર્દીઓને મૂકતા જ તેમનું મોત થયુ હોવાનું ડૉક્ટરનું ધ્યાનમાં આવ્યું હતુ. આ અંગે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, નિષ્ણાંત તબીબોના અભિપ્રાય વિના જ ધમણ-1ને સરકારી હોસ્પિટલોમાં ઈન્સ્ટોલ કરી દેવામાં હતા. ધમણ-1 વેન્ટિલેટરને ટ્રાયલ માટે અહીં ઉપયોગમાં લેવાયા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

Share This Article