કલાકો સુધી ડેસ્ક પર બેસી અને કામ કરવાના કારણે ખભામાં દુખાવો થવા લાગે છે. આ ઉપરાંત બરાબર ઊંઘ ન થાય ત્યારે પણ આ સમસ્યા થાય છે. શારીરિક ગતિવિધિ ઓછી હોય એટલે કે બેઠાળું જીવન હોય ત્યારે પણ પીઠનો દુખાવો વધી જાય છે અને પેટની ચરબી પણ વધી જાય છે. તેવામાં ડોક્ટર પાસે જઈ પેનકીલર ખાવા કરતાં જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ. પીઠનો દુખાવો અને પેટની ચરબી દૂર કરવા માટે યોગાસન સૌથી શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે.
મર્કટ આસન કરતી વખતે શરીરનો આકાર વાંદરા જેવો થઈ જાય છે. પરંતુ તેનાથી શરીરના દુખાવા અને પેટની ચરબી દૂર થઈ જાય છે. આ ઉપરાંત આ આસન રોજ કરવાથી શરીર લચીલું થાય છે.
સૌથી પહેલા જમીન પર સીધા સુઈ જાઓ. બંને હાથને કમર પાસે સીધા રાખો. બંને પગને જોડી અને ઘુંટણથી વાળી લો. હવે કમરથી નીચેના ભાગને ટ્વિસ્ટ કરો અને પગને એકવાર જમણી તરફ જમીન પર અડાડો. આ આસનને 10થી 20 સેકન્ડ સુધી કરો. ધીરેધીરે આ આસન કરવાનો સમય વધારો.
મર્કટ આસન કરવાથી પીઠનો દુખાવો દૂર થાય છે અને કરોડરજ્જુના રોગ દૂર થાય છે. સર્વાઈકલ, પેટનો દુખાવો, કમરનો દુખાવો, અપચો, અનિદ્રામાં લાભ થાય છે.
