મિસ્ટર યુનિવર્સ 2019નું ટાઇટલ ભારતના નામે

admin
1 Min Read

બોડી બિલ્ડિંગની દુનિયામાં ઘણા એવા એવોર્ડ છે જે જીતવા કલાકો સુધી જિમમાં મહેનત કરવી પડે છે. સાઉથ કોરિયામાં યોજાયેલ વર્લ્ડ બોડીબિલ્ડિંગ એન્ડ ફિઝીક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતના ચિત્રેશ નટસને મિસ્ટર યુનિવર્સ 2019નું ટાઇટલ પોતાને નામ કર્યું છે. દિલ્હીમાં રહેતો બોડીબિલ્ડર ચિત્રેશ મૂળ કોચીનો રહેવાસી છે. મળતી માહિતી અનુસાર, આ સ્પર્ધામાં 38 દેશના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશન જીતનારો ચિત્રેશ પ્રથમ ભારતીય બોડી બિલ્ડર બન્યો છે. ચિત્રેશે 90 કિલોગ્રામની કેટેગરીમાં મિસ્ટર વર્લ્ડ 2019નો ખિતાબ પણ જીત્યો છે. ચિત્રેશ શરૂઆતમાં હોકી પ્લેયર હતો, ત્યારબાદ હોકી પરથી તેણે પોતાનું ધ્યાન હટાવીને બોડીબિલ્ડીંગ સ્પર્ધા પર કેન્દ્રિત કર્યું હતું.

કોચીથી દિલ્હી આવીને તેણે ફિટનેસ ટ્રેનર તરીકેની નોકરી શરુ કરી. ચિત્રેશે પોતાના કરિયરમાં ઘણા ટાઇટલ જીત્યા છે. તે મિસ્ટર દિલ્હીનો વિજેતા એક વખત નહીં પણ 4 વખત બન્યો છે. વર્ષ 2015માં મિસ્ટર ઇન્ડિયાનું ટાઇટલ જીત્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તે મિસ્ટર એશિયા 2019 પણ બન્યો છે. મિસ્ટર યુનિવર્સ 2019 બન્યા પછી ચિત્રેશે જણાવ્યું કે, ઇન્ડિયન બોડી બિલ્ડીંગ ફેડરેશને મારો ખર્ચો ઉઠાવીને સાઉથ કોરિયા કોમ્પિટિશન માટે મોકલ્યો તે બદલ હું તેમનો આભારી છું. છેલ્લા 10 વર્ષથી હું બોડી બિલ્ડીંગ ફિલ્ડમાં છું. અને મારા દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા બદલ હું ગર્વ અનુભવું છું.

 

 

Share This Article